મોટી ખાવડીમાં 108ની ટીમે રસ્તામાં જ કરાવી સફળ પ્રસૂતિ

મોટી ખાવડીમાં 108ની ટીમે રસ્તામાં જ કરાવી સફળ પ્રસૂતિ

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં રાત્રિના સમયે એક ગર્ભવતી મહિલા માટે 108 એમ્બ્યુલન્સ સાચા અર્થમાં સંજીવની સાબિત થઈ હતી. 23 વર્ષીય મહિલાને અચાનક તીવ્ર પ્રસૂતિ પીડા ઉપડતાં 108ની ટીમે હોસ્પિટલ પહોંચે તે પહેલાં રસ્તામાં જ એમ્બ્યુલન્સમાં સફળ નોર્મલ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોટી ખાવડી વિસ્તારમાં રહેતાં 23 વર્ષીય શીલા દેવી રિતેશકુમાર સિંહને રાત્રિના સમયે અચાનક તીવ્ર પ્રસૂતિ પીડા ઉપડી હતી. મહિલાની હાલત નાજુક જણાતાં પરિવારજનોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા પર કોલ કરીને મદદ માગી હતી.કોલ મળતાં જ જામનગરના સમર્પણ ચોકડી લોકેશન પર તૈનાત 108 એમ્બ્યુલન્સના ઈએમટી દીપ્તિ મારૂ અને પાયલોટ રાજેશભાઈ તાત્કાલિક મોટી ખાવડી ખાતે પહોંચી ગયા હતા. સ્થળ પર પહોંચીને તપાસ કરતાં પ્રસૂતાની હાલત વધુ ગંભીર જણાઈ હતી.

મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સમય લાગે તેમ હોવાથી અને ઇમરજન્સીની પરિસ્થિતિ સર્જાતાં ઈએમટી દીપ્તિ મારૂએ સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સમાં જ જરૂરી તબીબી સારવાર શરૂ કરી હતી. દરમિયાન હોસ્પિટલ પહોંચે તે પહેલાં રસ્તામાં જ જરૂરી સુરક્ષા અને સાવચેતી સાથે મહિલાની સફળ નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી.

108ની ટીમની ત્વરિત કામગીરી, ફરજ નિષ્ઠા અને સમયસર લેવાયેલા નિર્ણયને કારણે માતા અને નવજાત બાળક બંને સુરક્ષિત અને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. આ કટોકટીના સમયે 108ની ટીમે દર્શાવેલી ઉત્કૃષ્ટ કામગીરીથી પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને એમ્બ્યુલન્સના સ્ટાફની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...