શ્રમિકો મેદાને! : દિવાળી પહેલા પ્રશ્નો નહીં ઉકેલે તો ઉગ્ર આંદોલન

શ્રમિકો મેદાને! : દિવાળી પહેલા પ્રશ્નો નહીં ઉકેલે તો ઉગ્ર આંદોલન

ગુજરાતમાં 2.70 લાખથી વધુ શ્રમિકો અને કામદારોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. આંગણવાડી, આશા વર્કરો સહિતના શ્રમજીવીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. 12 કલાક કામ છતાં પૂરો પગાર ન મળતા, મોંઘવારીથી પીડિત કામદારોએ દિવાળી પહેલા પ્રશ્નો ન ઉકેલાય તો રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

વિકાસના પાયામાં જેમના પરસેવાની મહેનત છે, તેવા 2.70 લાખથી વધુ શ્રમિકો અને કામદારોનું ભારે આર્થિક શોષણ થઈ રહ્યું છે. પરિણામે હવે તેઓ આરપારના મૂડમાં આવી ગયા છે. રાજ્યમાં શ્રમજીવી ક્ષેત્રે જાણે કાનૂની રક્ષણ સદંતર ગાયબ થઈ ગયું હોય તેમ જંગલરાજ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. કાળઝાળ મોંઘવારી અને કામના વધતા બોજથી પીડિત શ્રમિકો, આંગણવાડી વર્કરો અને આશા વર્કરોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. કામદારોએ સરકારને આખરી ચીમકી આપતા જણાવ્યું છે કે જો દિવાળી પહેલાં તેમના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે, તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

અસંગઠિત અને કરાર આધારિત કામદારોનું શોષણ કઈ હદે વધી રહ્યું છે તેનો સ્પષ્ટ ચિતાર સત્તાવાર આંકડાઓ જ આપે છે. કુલ 2.70 લાખ શ્રમિકોમાંથી 1 કરોડ 18 લાખ 9 હજાર 61 કામદારો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. રાજ્યમાં નોંધાયેલી 47,762 ફેક્ટરીઓમાં 24 લાખ લોકો કાર્યરત છે, જ્યારે વણનોંધાયેલી ફેક્ટરીઓનો આંકડો તેનાથી પણ ઘણો મોટો છે. ઔદ્યોગિક વસાહતોમાં 30થી 40 લાખ પરપ્રાંતીય કામદારો ખૂબ જ કપરી સ્થિતિમાં કામ કરવા મજબૂર બન્યા છે.

વર્ષ 2018માં ફિક્સ પગારદારોની સંખ્યા 2 લાખની આસપાસ હતી, જે વધીને 2025 સુધીમાં 3.50 લાખ થઈ ગઈ છે. બીજી તરફ સરકારી કરાર આધારિત, આઉટસોર્સિંગ અને એડ-હોક કર્મચારીઓની સંખ્યા વર્ષ 2022માં 6 લાખ હતી, જે વધીને 2025માં 6.50 લાખ નોંધાઈ છે. તેની સામે સરકારે કાયમી કર્મચારીઓની સંખ્યામાં 30% જેટલો મોટો ઘટાડો કર્યો છે. હાલમાં ખેતમજૂરોની સંખ્યા વધીને 75 લાખ સુધી પહોંચી ગઈ છે, જ્યારે 1,20,540 આંગણવાડી વર્કરો, 47,817 હેલ્પરો અને 44,000 આશા વર્કરો તથા ફેસિલેટરો અત્યંત ટૂંકા વેતનમાં રાત-દિવસ પોતાની ફરજ બજાવી રહ્યા છે.

એક તરફ વીજકાપ, ગેસની તંગી અને આર્થિક કટોકટીના કારણે હજારો કામદારોની નોકરીઓ જોખમમાં મુકાઈ છે, તો બીજી તરફ અનેક લોકો પોતાની રોજગારી ગુમાવી ચૂક્યા છે. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે પરપ્રાંતના શ્રમિકો મોટા પાયે પોતાના વતન પરત ફરી રહ્યા છે. કાળઝાળ મોંઘવારી વચ્ચે કામદારો અને આશા વર્કરોને નજીવો પગાર ચૂકવવામાં આવે છે અને કાયદેસરના લઘુત્તમ વેતનના નિયમો નેવે મૂકી દેવાયા છે. શ્રમિકો પાસે નિયમ મુજબના 8 કલાકના બદલે 12-12 કલાક સુધી આકરો શ્રમ કરાવવામાં આવે છે, છતાં તેમને પૂરા 8 કલાકનું વેતન પણ મળતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...