વરસાદી કાંસમાં ગટરના પાણી દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી રહીશો ત્રસ્ત દેખાવો કરી વિરોધ

વરસાદી કાંસમાં ગટરના પાણી દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી રહીશો ત્રસ્ત દેખાવો કરી વિરોધ

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રૂપારેલ વરસાદી કાંસ આસપાસ રહેતા રહીશો વર્ષોથી ગટરના પાણી, ગંદકી અને અસહ્ય દુર્ગંધની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સમસ્યાના ઉકેલ માટે સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર આંદોલન અને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો નહીં આવતાં આજે ફરી એક વખત દર્શનમ એન્ટીકા સોસાયટીના રહીશો એકત્ર થયા હતા અને તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.

રહીશોના જણાવ્યા મુજબ વરસાદી કાંસની આસપાસ અનેક બાંધકામો થઈ જતાં વરસાદી પાણીના નિકાલમાં અડચણ ઊભી થઈ રહી છે. બીજી તરફ ગટરના પાણી પણ સીધા વરસાદી કાંસમાં ભળી રહ્યા હોવાથી કાંસ ગંદકીથી ઉભરાઈ રહ્યો છે. કાંસમાં ગંદકીના કારણે મચ્છરોનો અસહ્ય ઉપદ્રવ રહે છે અને તીવ્ર દુર્ગંધના કારણે આસપાસ રહેવું મુશ્કેલ બની ગયું છે.

ચોમાસાની ઋતુમાં સ્થિતિ વધુ ગંભીર બની જાય છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતાં રહીશોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે, જેના કારણે ઘરવખરીને નુકસાન થવાની સાથે આર્થિક નુકસાની પણ વેઠવી પડે છે. વર્ષોથી સમસ્યા હોવા છતાં કાયમી ઉકેલ નહીં આવતાં રહીશોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે સોસાયટીમાં અંદાજે 777 યુનિટ આવેલા છે અને રહીશો દ્વારા વર્ષે આશરે રૂ.45 લાખ જેટલો વેરો ભરવામાં આવે છે. તેમ છતાં પાયાની સુવિધાઓના અભાવે ગંદકી અને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. રહીશોએ પીવાના પાણીની ગુણવત્તા અંગે પણ સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે પાણીમાં ટીડીએસનું પ્રમાણ 3500થી 4000 સુધી હોવાનો દાવો છે અને પીવાનું પાણી પણ પૂરતું શુદ્ધ મળતું નથી.

રહીશોની માંગ છે કે વરસાદી કાંસમાં ભરાયેલી ગંદકી તાત્કાલિક દૂર કરવામાં આવે, કાંસમાં ગટરના પાણી ભળતા અટકાવવામાં આવે અને પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે. વર્ષોથી ચાલી રહેલી સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ફરી આંદોલન કરવાની ચીમકી પણ રહીશો દ્વારા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...