વડોદરા શહેરના ટીપી-13 વિસ્તારમાંથી પસાર થતી કેનાલ પર કોઈપણ જાતની સેફ્ટી વોલ કે સુરક્ષા વ્યવસ્થા નહીં હોવાના કારણે અકસ્માતનું જોખમ સતત તોળાઈ રહ્યું છે. આ મામલે વારંવાર સરદાર સરોવર નિગમ લિમિટેડ (SSNL) સમક્ષ રજૂઆતો કરવા છતાં સ્થિતિમાં સુધારો નહીં થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ કેનાલમાં લોકો ખાબકતાં અનેક અકસ્માતો સર્જાયા છે અને કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે.
દરમિયાન આજે સવારે એક ગાય કેનાલમાં ખાબકી જતાં દોડધામ મચી હતી. વોર્ડ નંબર-1ના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાના જણાવ્યા મુજબ, ઘટનાની જાણ થતાં ટીપી-13ના સબ ફાયર ઓફિસર હર્ષવર્ધન પૂવારને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ફોન રિસીવ કર્યો ન હતો. ત્યારબાદ 112 નંબર પર ફોન કરી ઘટનાની જાણ કરવામાં આવી હતી.
માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ કેનાલમાં ખાબકેલી ગાયનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કેનાલ પર સુરક્ષિત દિવાલ કે અન્ય રક્ષણાત્મક વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ફરી ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વારંવારની રજૂઆતો છતાં SSNL દ્વારા સુરક્ષાની કામગીરી નહીં કરાતાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
