AMC એ ફરી નિયનો નેવે મૂક્યા?

AMC એ ફરી નિયનો નેવે મૂક્યા?

અમદાવાદ AMCમાં 180 પટ્ટાવાળાને આઉટસોર્સિંગથી રાખવા 5 કરોડનું ટેન્ડર વિવાદમાં છે. સ્થાયી સમિતિની બેઠકમાં ટેન્ડર વિના ત્રણ એજન્સીઓને કામ આપવાની દરખાસ્ત રજૂ થશે. આ એજન્સીઓને કરારપત્ર અને ડિપોઝિટમાંથી પણ મુક્તિ અપાશે. જૂના ઠરાવના આધારે અલ્ટ્રામોર્ડન, ક્લીન ઇન્ડિયા અને શાશ્વત સાફ્લ્ય પ્રા. લિ.ને 60-60 પટ્ટાવાળાનો કોન્ટ્રાક્ટ અપાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 180 પટ્ટાવાળાને આઉટસોર્સિંગથી રાખવા માટે આશરે રૂ. 5 કરોડનું કામ ટેન્ડર પ્રક્રિયા વિના ત્રણ એજન્સીઓને આપવાની તૈયારી કરવામાં આવી છે. આ માટે બુધવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં સીધી દરખાસ્ત રજૂ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે, આ એજન્સીઓને કરારપત્ર ભરવા અને ડિપોઝિટ જમા કરાવવામાંથી પણ મુક્તિ આપવાની જોગવાઈ રાખવામાં આવી છે. મ્યુનિ.માં 15 હજારથી વધુ કર્મચારીઓ હોવા છતાં વિવિધ વિભાગોમાં પટ્ટાવાળાની અછત હોવાનું કારણ આગળ ધરીને આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. દરખાસ્ત મુજબ, 180 પટ્ટાવાળાની સેવા આગામી એક વર્ષ માટે ત્રણ એજન્સીઓ પાસેથી લેવામાં આવશે. દરેક એજન્સી પાસેથી 60 પટ્ટાવાળા મેળવવાનું આયોજન છે.

22 ઓગસ્ટ, 2025ના રોજ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં મંજૂર થયેલા ઠરાવનો આધાર લેવામાં આવ્યો છે. તે સમયે રૂ. 6.13 કરોડના ખર્ચે 164 પટ્ટાવાળા અને રૂ. 16 કરોડના ખર્ચે 288 પટ્ટાવાળા બે વર્ષ માટે આઉટસોર્સિંગથી મેળવવાની બે અલગ દરખાસ્તો મંજૂર થઈ હતી. આ ગણતરી મુજબ એક પટ્ટાવાળા પાછળ વાર્ષિક રૂ. 2.77 લાખનો ખર્ચ થાય છે. એટલે કે માસિક આશરે રૂ. 23,150નો ખર્ચ ગણવામાં આવ્યો છે. જોકે, આટલી રકમ ખરેખર પટ્ટાવાળાને પગારરૂપે ચૂકવાય છે કે નહીં તે સવાલ પણ ઊભો થયો છે. અહેવાલ મુજબ, પટ્ટાવાળાઓને સામાન્ય રીતે રૂ. 12 હજારથી રૂ. 15 હજાર જેટલો માસિક પગાર મળતો હોવાની ચર્ચા છે. બાકીની રકમ એજન્સી પાસે રહેતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

જૂના ઠરાવમાં અલ્ટ્રામોર્ડન એજન્સી, ક્લીન ઇન્ડિયા અને શાશ્વત સાફ્લ્ય પ્રા. લિ.નાં નામ સામેલ હતાં. નવી દરખાસ્ત મુજબ, ત્રણેય એજન્સીઓને 60-60 પટ્ટાવાળા પૂરા પાડવાના રહેશે. દરેક એજન્સીના 9 કર્મચારીઓ સેક્રેટરી ઓફિસમાં અને 51 કર્મચારીઓ અન્ય ખાતાંમાં ફાળવાશે. આ સેવાઓ માટેનો વર્ક ઓર્ડર અને પગાર સંબંધિત ખાતાંમાંથી ચૂકવાશે. હવે સ્થાયી સમિતિ આ દરખાસ્તને મંજૂરી આપે છે કે નહીં તેના પર સૌની નજર છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...