બેંક એકાઉન્ટ આપી સાયબર ફ્રોડ કરાવનાર શખ્સ ઝબ્બ

બેંક એકાઉન્ટ આપી સાયબર ફ્રોડ કરાવનાર શખ્સ ઝબ્બ

ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ફ્રોડના નાણાંની હેરફેર માટે પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપતા અને કમિશન મેળવતા તત્વો સામે કડક ઝુંબેશ હાથ ધરી છે. મ્યુલ હન્ટ ૨.૦ ડ્રાઇવ અંતર્ગત પોલીસે કાર્યવાહી કરીને સાયબર ઠગોને એકાઉન્ટ ભાડે આપનાર એક આરોપીની અટકાયત કરી કાયદેસરના પગલાં લીધા છે.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.સી. ચૌધરી અને પી.એસ.આઈ. ડી.એમ. ગોહિલની ટીમ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં સામે આવ્યું કે, વિશાલએ કમિશન મેળવવાની લાલચે પોતાની બેંકની પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ તેમજ એકાઉન્ટ સાથે લિંક થયેલું સિમ કાર્ડ સાયબર ફ્રોડ આચરતા ઠગોને ભાડે આપ્યું હતું. આ મામલે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૭(૨) અને ૫૪ મુજબ ગુનો નોંધી વિશાલ રમેશભાઇ તલાવીયા (ઉં.વ. ૨૬, રહે. નિલેશ સોસાયટી, નારી ચોકડી પાસે, ભાવનગર, ધંધોથ હીરા મજૂરી) ની ધરપકડ કરવામાં આવી છે.પોલીસે વિશાલને ચીફ કોર્ટ, ભાવનગર સમક્ષ રજૂ કરતા અદાલતે તેના ૨ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ ગુનામાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૃ કરી છે.સાયબર ક્રાઇમ પોલીસે લોકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે, કોઈ પણ વ્યક્તિએ પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ અજાણી વ્યક્તિને નાણાંની લેવડ-દેવડ માટે ન આપવો. જો તમે નાણાંની હેરફેર માટે એકાઉન્ટ ભાડે આપો છો તો તેને મ્યુલ એકાઉન્ટ  ગણવામાં આવે છે અને તે એક ગંભીર ગુનો છે. આવી ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...