સાધુ વાસવાણી રોડ પરના પાટીદાર ચોક પાસે સોપાન હેબીટેટ બિલ્ડિંગમાં રહેતા અને પ્રમુખ સ્વામિ આર્કેડમાં એડ એજન્સી ધરાવતા નિતેશ ચંદ્રકાંતભાઈ કામદાર (ઉ.૩૬) સાથે ચાર ગણા રૂપિયા કરી દેવાની લાલચ આપી આરોપી રાહુલ અનંતરાય રૂપાણી (રહે. રાજકોટ) અને રમેશ ઈશ્વરભાઈ મકવાણા (રહે. વેજલકા ગામ, તા. ચુડા)એ રૂા. ૧૧.૧૧ લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોધાઈ છે.
જેમાં નિતેશભાઈએ જણાવ્યું છે કે બે વર્ષથી રાહુલને ઓળખે છે. આઠેક મહિના પહેલા પૈસાની જરૂર પડતા તેની પાસે માગણી કરી હતી. તેણે પૈસા નથી તેમ કહી પોતાનો મિત્ર રમેશ માતાજીનો ભુવો હોવાનું જણાવી ચાર ગણા પૈસા કરી આપતો હોવાનું પણ કહ્યું હતું. ત્યારબાદ તેને રમેશના ગામ વેજલકા લઈ ગયો હતો. જ્યાં રમેશે વિધિ કરી ચાદરમાંથી રૂા. ૫૦૦ની નોટ કાઢી બતાવતા આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તે વખતે તેને આ રીતે વિધિ કરી પૈસાનો વરસાદ કરી દઈશ તેવી લાલચ આપી હતી.
આ પછી કટકે કટકે તેને રૂપિયા ૧૧.૧૧ લાખ આપ્યા હતા. જેની સામે રૂા. ૪૦ લાખ થોડા દિવસમાં મળી જશે તેમ કહ્યું હતું. પરંતુ પછી રકમ નહીં આપતા ઉઘરાણી કરતા રાહુલે વિધિ ફેલ થયાનું જણાવી રકમ પરત જોઈતી હોય તો વધુ રૂપિયા ૨.૫૦ લાખ આપવાનું કહ્યું હતું. જો કે તેને છેતરાઈ ગયાનો અહેસાસ થતા ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ કે.કે.વી. હોલ પાસે ચિત્રલેખા એપાર્ટમેન્ટમાં રહેતા રાહુલ રૂપાણી (ઉ.૪૩)એ એવી ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે આરોપી સતિષ મહેતાએ તેને કોલ કરી રાષ્ટ્રીય શાળા પાસે આવેલી તેની ઓફિસે બોલાવી બીજા માળે લઈ જઈ કપડાં ઉતરાવી ધોકા વડે મારકૂટ શરૂ કરી હતી.
એટલું જ નહીં, બેફામ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી ગરમ તાવીથા વડે ગુપ્તાંગમાં ડામ દેવાની કોશિશ કરી હતી, જે તેણે નિષ્ફળ બનાવી હતી. બાદમાં તેને ફરીથી ધોકાના ઘા ઝીંકી આખી ઓફિસમાં નગ્ન અવસ્થામાં ફેરવ્યો હતો. સાથોસાથ રાજકોટ છોડીને જતા રહેવાનું પણ કહ્યું હતું. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
