શિક્ષક દિને જ સમાજને શરમસાર કરતી અને ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધોને લજવતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાવ-થરાદ જિલ્લાના સરહદી પંથકની એક સરકારી માધ્યમિક શાળાના આચાર્યે પોતાની પદની ગરિમા અને નૈતિક જવાબદારી ભૂલીને 15 વર્ષીય વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગતા ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે સગીરાની ફરિયાદના આધારે આચાર્ય સામે ગુનો નોંધાયો છે.
પોલીસ ફરિયાદ અનુસાર, સગીરા જ્યારે શાળામાં હાજર હતી ત્યારે શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મનિષ પરમારે પોતાની સત્તા અને વિશ્વાસનો દુરુપયોગ કર્યો હતો. આચાર્યે સગીરાને શાળાના એક રૂમમાં બોલાવી અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. સગીરાએ રૂમમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તેને અટકાવીને તેની મરજી વિરુદ્ધ દુષ્કૃત્ય આચર્યું હતું. આટલું જ નહીં, આ કુકર્મ આચર્યા બાદ શિક્ષકે સગીરાને જો આ અંગે કોઈને પણ જાણ કરશે તો જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી હતી.
શિક્ષણ જગતને કલંકિત કરતી આ શરમજનક ઘટના બહાર આવતાં જ સરહદી પંથકના વાલીવર્ગ, શૈક્ષણિક આક્ષેપો અને સામાજિક આગેવાનોમાં આક્રોશની આગ ભભૂકી ઊઠી છે. લોકો દ્વારા શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે.
આ ગંભીર મામલે માવસરી પોલીસે ભોગ બનનાર સગીરાની ફરિયાદના આધારે આરોપી શિક્ષક મનિષ પરમાર વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
