મેન્ડોલિનના સૂરને શાસ્ત્રીય સંગીત અને ગુજરાતી સુગમ સંગીત સાથે આગવી રીતે જોડનાર જાણીતા મેન્ડોલિનવાદક, સંગીતકાર અને સ્વરકાર ઈમુ દેસાઈએ પાંચમી સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં આવેલા તેના નિવાસસ્થાને લાંબી બીમારી બાદ 85 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનથી ગુજરાતી સંગીતજગતે એક બહુમુખી કલાકાર ગુમાવ્યો છે.
આઠમી એપ્રિલ, 1939ના રોજ અમદાવાદમાં જન્મેલા ઈમુ દેસાઈને બાળપણથી જ ચિત્રકામ, વાંચન, અભિનય અને સંગીતમાં રસ હતો. આશરે આઠ વર્ષની ઉંમરે તેમણે ગંધર્વ મહાવિદ્યાલયમાં સંગીતની તાલીમ શરૂ કરી હતી. નટવરલાલ પરીખ અને રાવજી પટેલ જેવા ગુરુઓ પાસેથી સંગીતનું શિક્ષણ મેળવ્યા બાદ ધીમે ધીમે મેન્ડોલિન તેમનું વિશિષ્ટ વાધ્ય બની ગયું. ઈમુ દેસાઈની વિશેષતા એ હતી કે તેમણે મેન્ડોલિનને માત્ર હળવા સંગીતનું વાધ્ય ન રહેવા દીધું. તેમણે તેના પર શાસ્ત્રીય સંગીતના રાગો રજૂ કરીને આ વાધ્યને આગવી ઓળખ અપાવી હતી.
ઈમુ દેસાઈ પ્રખ્યાત સરોદવાદક વસંત રાયના શિષ્ય પણ રહ્યા હતા. ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રમાં પણ તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું. રાસબિહારી દેસાઈ, વિભા દેસાઈ, સરોજ ગુંદાણી, હર્ષિદા રાવળ અને દમયંતી બરડાઈ સહિતના અનેક જાણીતા કલાકારો સાથે તેમણે સંગત કરી હતી.
