દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. બંગાળની ખાડી ઉપર સર્જાયેલા ગંભીર દબાણ (ડીપ ડિપ્રેશન) ના કારણે પૂર્વીય, મધ્ય અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ ગતિશીલ બનીને જમીન સાથે ટકરાવા જઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
પૂર્વીય યુપીમાં ગુરુવારથી ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થશે અને 25-26 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનું અનુમાન છે. બીજી તરફ, ઉત્તરાખંડમાં શુક્રવારથી વરસાદનું જોર વધીને શનિવારે પર્વતીય વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. ગુરુવાર અને શુક્રવારે બિહારના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી-એનસીઆરમાં હાલમાં કોઈ મોટું એલર્ટ નથી અને અહીં બુધવારે હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની સંભાવના છે. જોકે, મહત્તમ તાપમાન 34 થી 36 ડિગ્રીની આસપાસ જળવાઈ રહેશે.
બીજી તરફ, મધ્ય ભારત અને દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, તટીય કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સંબંધિત વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક અપડેટ્સ પર નજર રાખવા અપીલ કરી છે.
