અભિયાન વચ્ચે ઉધનામાં પરવાનગી વગર સાત વૃક્ષો કાપીનાખ્યા

અભિયાન વચ્ચે ઉધનામાં પરવાનગી વગર સાત વૃક્ષો કાપીનાખ્યા

દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન પર ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વ્યાપક વૃક્ષારોપણ ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે સુરતના ઉધના ઝોનમાં “વૃક્ષ કાપો, પેનલ્ટી ભરો” જેવો વિવાદાસ્પદ ઘાટ સર્જાયો છે. ઉધના ઝોન વિસ્તારમાં જોગણી માતાના મંદિરથી નવજીવન શોરૂમ તરફ જતા રસ્તા પર આવેલા સાત જેટલા ઘટાદાર વૃક્ષોને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ની કોઈપણ પૂર્વ પરવાનગી વગર જ કાપી નાખવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ગેરકાયદે રીતે વૃક્ષોનું છેદન કરવા છતાં ઉધના ઝોનના અધિકારીઓએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર 90 હજાર રૂપિયાનો દંડ ફટકારીને સંતોષ માન્યો છે. આ વિસ્તારમાં અનેક વૃક્ષો આવેલા છે, પરંતુ આ સાત વૃક્ષો જ કેમ કાપવામાં આવ્યા તે અંગે સ્થાનિક સ્તરે ચર્ચા જાગી છે.

આ અંગે નજીકની બિલ્ડિંગમાં કામ કરતી એક વ્યક્તિની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, ‘અમને આ વૃક્ષો નડી રહ્યા હતા.’ જેથી વૃક્ષ કાપવા માટે મંજૂરી લેવાની તસ્દી લીધા વિના તેને જાતે જ કાપી નાખીને બાદમાં દંડ ભરી દેવાનો અભિગમ અપનાવવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના અધિકારીઓના આવા નરમ વલણને કારણે પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સમગ્ર મામલે જ્યારે ડેપ્યુટી કમિશનરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે “મને આ બાબતની કોઈ જાણ જ નથી” તેમ કહીને અજાણતા દર્શાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...