ભાદરવી પૂનમનો અંબાજી ખાતે યોજાતા મેળામાં ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો પગપાળા, બસ કે ખાનગી વાહનો મારફતે માતાજીના દર્શન માટે અંબાજી પહોંચતા હોય છે. આ ભક્તજનોને બસ ઉપરાંત રેલવે સેવાનો પણ લાભ મળે તે માટે સરકાર દ્વારા નવી રેલવે લાઈન સાથે અંબાજી સ્ટેશનના નિર્માણ કામને મંજૂરી આપી છેલ્લા ત્રણેક વર્ષથી કામગીરી શરુ કરાઈ છે. જોકે, રેલવેના રિપોર્ટ પ્રમાણે ધીમી ગતિએ ચાલતી કામગીરીને જોતા આગામી 3-4 વર્ષ સુધી ભક્તોને નવી રેલ કનેક્ટિવિટી મળવી મુશ્કેલ છે.
ભારત સરકારના આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયમાં છેલ્લે જાહેર કરેલા રિપોર્ટમાં જુલાઈ 2022થી સરકારની મંજૂરી બાદ શરૂ કરાયેલા તારંગા હિલ- અંબાજી- આબુ રોડ વચ્ચે 116.6 કિ.મી.ની નવી બ્રોડગેજ રેલવે લાઈનનું 45 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અને આ પ્રોજેક્ટને જુલાઈ 2030 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે વિશેષ મેમુ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન 19 સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધી નિયમિત ફેરાઓ મારશે. જેમાં ટ્રેન નં.09405 અસારવા-ખેડબ્રહ્મા મેમુ દરરોજ સવારે 09.35 કલાકે અસારવાથી ઉપડી નરોડા, હિંમતનગર અને વડાલી થઈને બપોરે 12.10 કલાકે ખેડબ્રહ્મા પહોંચશે. તેવી જ રીતે પરત આવતી ટ્રેન નં.09406 બપોરના 15.35 કલાકે ખેડબ્રહ્માથી ઉપડીને સાંજે 18.10 કલાકે અસારવા ખાતે પહોંચશે. ભાદરવી પૂનમના મેળા માટે શરૂ કરાયેલી વિશેષ મેમુ ટ્રેન અનરિઝર્વ્ડ રહેશે.
