ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન પડેલા સારો વરસાદ અને મેઘમહેરના કારણે રાજ્યના જળસ્તરમાં મોટો વધારો નોંધાયો છે. પાણીની આ આવકથી રાજ્યના જળાશયો અને ડેમોની સ્થિતિ ઘણી સંતોષકારક બની છે.
રાજ્યના 28 જળાશયો હાલ સંપૂર્ણપણે છલોછલ છે. જ્યારે 39 જળાશયોમાં 70થી 100 ટકા વચ્ચે, 25માં 50થી 70 ટકા વચ્ચે અને 41 જળાશયોમાં 25થી 50 ટકા વચ્ચે જળસ્તર નોંધાયું છે. આ ઉપરાંત, 73 જળાશયોમાં હજુ જળસ્તર 25 ટકાથી નીચું છે. જિલ્લાવાર વાત કરીએ તો, ભાવનગરના પાંચ, અમરેલીના ચાર અને બોટાદ, દાહોદ, નર્મદા, નવસારી તેમજ રાજકોટના બે-બે જળાશયો છલોછલ ભરાયા છે. આ સાથે જ કચ્છ, મહીસાગર, અરવલ્લી, સુરત, સુરેન્દ્રનગર અને તાપીના 1-1 જળાશયનો પણ આ છલોછલ ડેમોમાં સમાવેશ થાય છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 75.65 ટકા જળસ્તર નોંધાયેલું છે. જો સરખામણી કરીએ તો, બરાબર એક સપ્તાહ અગાઉ એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ રાજ્યના જળાશયોમાં સરેરાશ જળસ્તર 65.29 ટકા હતું અને સરદાર સરોવરમાં 63.23 ટકા જળસ્તર હતું. આમ, માત્ર એક જ સપ્તાહના ટૂંકા સમયગાળામાં રાજ્યના જળસ્તરમાં નોંધપાત્ર અને ઉત્સાહવર્ધક વધારો જોવા મળ્યો છે.
