વડોદરાના બાજવા અને આસપાસના વિસ્તારના હજારો લોકોને જોડતા બાજવા બ્રિજની હાલત ગણતરીના વર્ષોમાં જ કથળી જતાં બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે.
વર્ષ 2016માં શરૂ થયેલી બ્રિજની કામગીરી લાંબા સમય બાદ વર્ષ 2024માં પૂર્ણ થઈ હતી. રૂ.39 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો બ્રિજ પ્રજા માટે ખુલ્લો મુકાયા બાદ થોડા જ દિવસોમાં બ્રિજ પર મોટું ગાબડું પડ્યું હતું. તે સમયે કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યું હતું.
હાલ બ્રિજના રસ્તા પર ઠેરઠેર મોટા ખાડા અને તિરાડો જોવા મળી રહી છે. આર.સી.સી. બ્રિજના માર્ગ પર ખાડા પડી જતાં કેટલાક સ્થળે સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે. ખાડાઓને ડામરના થીગડા મારીને પુરવામાં આવ્યા છે, પરંતુ થોડા જ સમયમાં નવા ખાડા અને તિરાડો સર્જાતા હોવાના કારણે વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે.
નવા બનેલા બ્રિજની આટલા ટૂંકા ગાળામાં આવી દશા સર્જાતા બાંધકામમાં વપરાયેલી સામગ્રી, ગુણવત્તા નિયંત્રણ અને કામગીરીની દેખરેખ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. નાગરિકોએ આ પ્રોજેક્ટમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્યક્ત કરી ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. ખાસ કરીને રૂ.39 કરોડના ખર્ચ બાદ માત્ર બે વર્ષમાં જ બ્રિજના માર્ગ પર ખાડા પડી સળિયા દેખાવા લાગ્યા હોય તો જવાબદારી નક્કી કરવા માટે સમગ્ર કામગીરીની ગુણવત્તાની તપાસ જરૂરી બની છે.
