એક તરફ ચોમાસું નબળું રહેતા દૂષ્કાળની સ્થિતિ સર્જાઈ છે ત્યારે રાજકોટ જિલ્લામાં પશુપાલન અને દૂધ સહકારી ક્ષેત્રના બે વર્ષના હિસાબ-કિતાબ ચિંતાજનક રહ્યા છે. ગામડાં સુધી દૂધ ખરીદીનું સહકારી માળખું વિસ્તર્યું છે, પણ 9 દૂધ મંડળીઓને તાળાં લાગ્યા છે તો 4 નવી મંડળીઓ ચાલુ થઈ છે. તેની સામે દૂધ ભરતા 5,989 સભ્યો તૂટયા છે અને કુલ દૂધ સંકલન પણ અધધ 90 લાખ લિટરથી વધારે ઘટયું છે. એટલે કે, અસલી દૂધની અછત વર્તાઈ છે, તો બનાવટી દૂધની નદીઓ વહે છે.
એટલે એક વર્ષમાં 90.72 લાખ લિટર દૂધ ઓછું એકત્રિત થયું હતું. સમગ્ર રાજકોટ જિલ્લાની સ્થિતિ એકસરખી નથી. વિંછીયા સૌથી મોટું દૂધ સહકારી કેન્દ્ર બનીને સામે આવે છે. અહીં મંડળીઓ બે મંડળીઓ વધી અને દૂધ ભરતા સભ્યો પણ 6,132થી વધીને 8,597 થયા. એટલે નવા માળખા સાથે પશુપાલકોની ભાગીદારી પણ વધી છે. જસદણમાં બીજી રસપ્રદ સ્થિતિ છે. અહીં મંડળીઓ 97થી ઘટીને 93 થઈ, છતાં દૂધ ભરતા સભ્યો 6,939થી વધીને 8,531 થયા. એટલે મંડળીની સંખ્યા ઓછી થવી એ હંમેશા પશુપાલન ઘટયું હોવાનો આધાર નથી.
બીજી તરફ ગોંડલમાં મંડળીઓ 52થી 53 થઈ હોવા છતાં દૂધ ભરતા સભ્યો 6,404થી ઘટીને 3,132 થયા છે. જામકંડોરણામાં પણ સભ્યો 3,322થી ઘટીને 2,336 થયા છે. ધોરાજીમાં આ ઘટાડો વધુ તીવ્ર છે. સભ્યો 1,682થી ઘટીને માત્ર 958 રહ્યા છે. આથી હવે માત્ર કેટલી મંડળીઓ છે તેના બદલે કેટલી મંડળીઓમાં ખરેખર દૂધ ભરાય છે અને કેટલા પશુપાલકો સક્રિય છે, તેનો હિસાબ માંડવાનો સમય આવ્યો છે.
