સુરત મનપા કમિશનર અને સ્ટે.ચેરમેન સામે હાઈકોર્ટની મોટી કાર્યવાહી

સુરત મનપા કમિશનર અને સ્ટે.ચેરમેન સામે હાઈકોર્ટની મોટી કાર્યવાહી

સુરતના નાસીરનગર વિસ્તારમાં મકાનો તોડી પાડવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના અધિકારીઓ સામે ફોજદારી અદાલતી અવમાનનાની કાર્યવાહી શરૂ કરી છે. હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ કેરીયલે સુરત મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને 27 નવેમ્બરે કોર્ટમાં રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો છે. બંને અધિકારીઓએ કોર્ટ સમક્ષ હાજર રહીને ખુલાસો કરવો પડશે કે તેમની સામે અદાલતી અવમાનનાની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ.

નાસીરનગરમાં મકાનો તોડી પાડવામાં આવ્યા બાદ અસરગ્રસ્ત લોકોને વૈકલ્પિક આવાસ આપવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, બાદમાં સુરત મનપાએ પોતાનું વલણ બદલતાં વૈકલ્પિક આવાસ નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. આ મામલે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે જણાવ્યું કે સુરત મનપાના અધિકારીઓનાં કૃત્યને કારણે પ્રથમદર્શી રીતે અદાલતી અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની સ્થિતિ ઊભી થઈ છે. આથી મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કોર્ટમાં હાજરી આવશ્યક છે.

હાઇકોર્ટે નોંધ્યું કે નાગરિકોનાં રહેઠાણો તોડી પાડવામાં આવ્યાં હતાં અને કોર્પોરેશન દ્વારા અસરગ્રસ્ત લોકોને યોગ્ય આવાસ આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી. આમ છતાં હવે કોર્પોરેશન અગાઉ આપવામાં આવેલી ખાતરીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું જણાય છે.

હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે જે અધિકારીઓએ અગાઉના નિર્ણયથી અલગ વલણ અપનાવ્યું છે, તેમણે કોર્ટમાં રૂબરૂ હાજર રહીને પોતાનો પક્ષ રજૂ કરવો પડશે. કોર્ટના મતે, વકીલ તેમના વતી વલણમાં આવેલા ફેરફાર અંગે અસરકારક રીતે ખુલાસો કરી શકે તેમ નથી. આ સાથે હાઇકોર્ટે સુરત મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરફથી રજૂ કરવામાં આવેલી દલીલો ફગાવી દીધી હતી. હવે આ કેસમાં આગામી સુનાવણી 27 નવેમ્બરે થશે, જેમાં બંને અધિકારીઓએ હાજર રહીને પોતાનો ખુલાસો આપવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...