બાથરૂમની સફાઈ કરતી વખતે આપણે ફ્લોર, દીવાલો અને વૉશબેસિન પર તો ધ્યાન આપીએ છીએ, પરંતુ નળની સફાઈ ઘણીવાર નજરઅંદાજ થઈ જાય છે. ખારા પાણીના કારણે સ્ટીલના નળ પર સફેદ ડાઘ અને પરત જામી જાય છે, જેને દૂર કરવા માટે હંમેશાં મોંઘા ક્લીનર ખરીદવાની જરૂર હોતી નથી. ઘરની સામાન્ય વસ્તુઓથી તેને આસાનીથી સાફ કરી શકાય છે.
સ્ટીલના નળ પર પાણી સૂકાયા પછી સફેદ નિશાનો રહી જાય ત્યારે સફેદ સરકો મદદ કરી શકે છે. આ માટે સરકામાં થોડું પાણી મિક્સ કરીને આ દ્રાવણને નરમ કપડા પર લગાવીને ડાઘવાળી જગ્યા સાફ કરો. પછી સાફ પાણીથી નળને સારી રીતે ધોઈને સુકવી લો. સરકાને સીધો નળ પર નાખવાથી કે લાંબા સમય સુધી છોડવાથી મેટલ ફિનિશ અને આસપાસની સપાટીને નુકસાન થઈ શકે છે.
જો નળ પર ચીકાશ કે હળવી ગંદકી જમા થઈ હોય, તો બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકાય છે. થોડા બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને પાતળી પેસ્ટ બનાવો અને તેને નરમ કપડાથી ગંદકીવાળી જગ્યા પર હળવા હાથે લગાવીને પાણીથી સાફ કરી લો. નળને ચમકાવવા માટે સેન્ડપેપર, તારવાળા સ્ક્રબર કે ખરબચડા પેડનો ઉપયોગ ન કરવો, કારણ કે તેનાથી સ્ટીલ પર સ્ક્રેચ પડી શકે છે.
