અમદાવાદ, દિવાળીના તહેવારમાં ફટાકડાની માગ વધતી હોવાથી તેનો આર્થિક લાભ મેળવવા માટે એક વેપારીએ ચોરીનું અનોખું કાવતરું રચ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. થોડા સમય પહેલા ધોળકા પોલીસે એક દુકાનમાં રેડ કરી હતી. ગેરકાયદે ફટાકડા સંગ્રહ કરવા મામલે ગુનો નોધી ૧૧.ર૩ લાખનો મુદામાલ કબજે કરીને સીલ કરીને તે જ દુકાનમાં મુદામાલ રાખ્યો હતો.
જોકે હાલ દિવાળી ટાણે પોલીસે ગેરકાયદે ફટાકડા રાખવા મામલે ચેકીગ હાથ ધર્યું ત્યારે તે દુકાનનો માલીક બાજુની દુકાનમાં વેપાર કરતા મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા તેણે બાજુની જ બીજી દુકાન ભાડે રાખીને બંને દુકાનો વચ્ચે આવેલીકોમન દીવાલ હથોડાની તોડીને સીલ કરાયેલી દુકાનમાં પ્રવેશ કરીને રૂ.૧૧.ર૩ લાખની કિમતના ફટાકડાની ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
ધોળકા પોલીસે થોડા સમય પહેલા શ્રી રામ માર્કેટમાં ફટાકડાના ગેરકાયદે સંગ્રહ કરવા મામલે ગુનો નોધી ૧૧.ર૩ લાખના ૩૮૭ કાર્ટુન ફટાકડાનો જથ્થો કબજે કર્યો હતો. આ કાર્યવાહી બાદ પોલીસે તમામ મુદામાલ સીલ કરીને તે જ દુકાનમાં રાખ્યો હતો. આ દરમ્યાનમાં પોલીસ ફરી આ માર્કેટમાં તપાસ માટે નીકળી ત્યારે તે વેપારી તેની બાજુની દુકાન ભાડે રાખીને વેપાર કરતો હતો.
પોલીસને શંકા જતા સીલ કરેલા મુદામાલની તપાસ કરતા મોટાભાગનો ફટાકડાનો જથ્થો ગાયબ હતો. જેથીપોલીસે શંકાના આધારે વેપારી પંકજ રાણાની પુછપરછ કરતા તેણે જ ચોરીકર્યાની કબુલાત કરી હતી. આરોપીએ કબુલાત કરી કે તેના ત્યાં પોલીસે રેડ કર્યા બાદ એક માસ પહેલા બાજુની દુકાન ભાડે રાખી હતી.
જે બાદ ૧પ દીવસ પહેલા તેણે રાત્રે ગામમાં અવર જવર ન હોય તે સમયે બંને દુકાનો વચ્ચે આવેલી કોમન દીવાલમાં બાકોરું પાડયું હતું. તેમાંથી સીલ કરાયેલો ફટાકડાનો જથ્થો લઈ લીધો હતો. ભાડાની દુકાનમાં તે જથ્થો રાખીને ગણતરીના દિવસોમાં જ વેચી પણ દીધો હતો.
ધોળકા પોલીસે સ્ટેશનના પોલીસ ઈનસ્પ્કટર અભીષેક ધવને જણાવ્યું કે, આરોપી વેપારી પંકજ રાણાએ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આર્થિક લાભ મેળવવા ઈરાદે આ ચોરી કરી હતી. આરોપીએ બંને દીવાલ વચ્ચે બાકોરું પાડીને ચણતર પણ કરી દીધું હતું. જેથી આરોપી પંકજ રાણા રહે. પંચશીલ ચાર રસ્તા પાસે ધોળકા ને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.
