શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર ચાર દિવસમાં જ સેન્સેક્સ 2700 કરતાં વધુ અંક તૂટી ગયો છે. આ ભારે ઘટાડાને કારણે રોકાણકારોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે અને બજારનું ચિત્ર ચિંતાજનક બન્યું છે.
બજારમાં આ નરમાઈ પાછળનું એક મોટું કારણ ક્રૂડ ઓઇલની કિંમતોમાં અચાનક થયેલો ઉછાળો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતમાં ગતિરોધ સર્જાતા બ્રેન્ટ ક્રૂડ વધીને આશરે 106.50 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયું છે. અમેરિકન પ્રમુખ દ્વારા ઈરાનનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવતા વૈશ્વિક સ્તરે ઓઇલની સપ્લાયને લઈને ચિંતાઓ વધી છે. ભારત વિશ્વના સૌથી મોટા ક્રૂડ આયાતકારોમાં સામેલ હોવાથી, લાંબા સમય સુધી ઓઇલ મોંઘું રહેવાથી દેશનું આયાત બિલ વધશે અને મોંઘવારી તેમજ કંપનીઓના માર્જીન પર સીધી અસર પડશે.
અમેરિકન 10 વર્ષીય ટ્રેઝરી યીલ્ડ 5.2 ટકાથી ઉપર પહોંચી જવી તે પણ ભારતીય શેરબજાર માટે ચિંતાનો વિષય બન્યો છે. ઊંચી બોન્ડ યીલ્ડના કારણે ડોલર આધારિત રોકાણ વધુ આકર્ષક બને છે, જેનાથી ઉભરતા બજારોમાંથી વિદેશી મૂડી બહાર જવા લાગે છે. આ વૈશ્વિક પરિબળોને કારણે વ્યાજદરો લાંબા સમય સુધી ઊંચા રહેવાની આશંકા સેવાઈ રહી છે.
