ગુજરાતમાં પણ ભુંડા ગરબા, મર્યાદાહીન ડ્રેસ પર રોક જરૂરી…’, જૂનાગઢમાં અભિનેતા અભય શુક્લાનું નિવેદન

ગુજરાતમાં પણ ભુંડા ગરબા, મર્યાદાહીન ડ્રેસ પર રોક જરૂરી…’, જૂનાગઢમાં અભિનેતા અભય શુક્લાનું નિવેદન

પ્રસિદ્ધ ટીવી સિરિયલ સીઆઈડીમાં ઈન્સ્પેક્ટર નિખિલના કિરદારથી જાણીતા અભિનેતા અભય શુક્લાએ જૂનાગઢ ખાતે ‘શક્તિ સ્પંદન 2026’ પ્રાચીન ગરબી મહોત્સવની મુલાકાત લઈને નવરાત્રિની પાર્ટી પ્લોટ સંસ્કૃતિ સામે નારાજગી દાખવીને ધાર્મિક મર્યાદાઓ જાળવવાનો મત વ્યક્ત કર્યો હતો. જૂનાગઢમાં સમસ્ત વણિક યુવા સંગઠન દ્વારા આયોજિત પ્રાચીન ગરબીના મંચ પરથી અભય શુક્લાએ કહ્યું હતું કે, ‘પાર્ટી પ્લોટોમાં રમાતા ગરબા એ ગરબા નથી પણ માત્ર વ્યાપારિક પાર્ટી બની ગઈ છે. માતાજીના નામે વેપાર થઈ રહ્યો છે અને યુવાનો ગરબાના નામે ભૂંડા દેખાવો કરી રહ્યા છે.’

સીઆઈડી ઉપરાંત સાવધાન ઈન્ડિયા ટીવી શ્રેણી તેમજ નોક-આઉટ, હોલી-ડે જેવી ફિલ્મોમાં ઝળકી ચૂકેલા અભય શુક્લાએ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, ‘જે રીતે યુપીમાં ડીજે સિસ્ટમ અને અશ્લીલતા પર કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તે જ રીતે ગુજરાત સરકાર અને પ્રશાસને પણ પાર્ટી પ્લોટોના ભૂંડા ગરબા, ગંદી ડ્રેસિંગ સેન્સ અને મોટેથી વાગતા ડીજે પર તાત્કાલિક રોક લગાવવી જોઈએ. નવરાત્રી એ માત્ર નાચવા-ગાવાનો ઉત્સવ નથી પરંતુ મા શક્તિની ઉપાસના અને સંસ્કારોનું સિંચન કરવાનું પર્વ છે.’

 સનાતનીઓને ઢંઢોળતા એક ખુલાસામાં અભય શુક્લાએ જણાવ્યું કે, ‘બે દિવસ પહેલાં મને પાકિસ્તાનથી આદિલ નામના એક છોકરાનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે, સાહેબ, અમે રોજાનુંષ્ઠાન અને નિયમ સાથે અમારા તહેવાર ઉજવીએ છીએ, જ્યારે તમારા નવરાત્રિ જેવા પવિત્ર તહેવારમાં પાર્ટી પ્લોટોમાં કેટલું ખોટું અને મર્યાદાહીન કામ થઈ રહ્યું છે! આ સાંભળીને મારું દિલ દુભાયું હતું અને પાકિસ્તાનથી આવેલા ફોન સામે હું કોઈ જવાબ આપી શક્યો નહોતો. વિધર્મીઓ પણ આપણા પવિત્ર પર્વના વિકૃત થતા સ્વરૂપ પર સવાલો ઉઠાવી રહ્યા છે, જે દરેક સનાતની માટે શરમજનક બાબત છે.’

અભય શુક્લાએ યુવાનોને પાર્ટી પ્લોટોનો સંપૂર્ણ બહિષ્કાર કરી શેરી અને પ્રાચીન ગરબી તરફ પાછા વળવા વિનંતી કરી હતી. જો ગરબા જ કરવા હોય તો પોતાની સોસાયટી અને મહોલ્લામાં પ્રાચીન રીતે, માતાજીની માંડવી અને શેરી ગરબા સાથે કરો, જેથી આપણી સનાતન સંસ્કૃતિ જીવંત રહે. આ સાથે જ તેમણે માતાઓ અને બહેનોને પણ અપીલ કરી હતી કે તેઓ પોતાના બાળકો કઈ રીતના વસ્ત્રો પહેરીને ગરબે રમે છે તેનું ધ્યાન રાખે, જેથી કોઈ અન્ય ધર્મ કે સમાજના લોકો આપણા સનાતન ધર્મ કે સંસ્કૃતિ પર આંગળી ન ઉઠાવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...