17 બોલમાં ફિફ્ટી…. અફઘાન સામેની શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાનો ધૂરંધર ફરી ફોર્મમાં…

17 બોલમાં ફિફ્ટી…. અફઘાન સામેની શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાનો ધૂરંધર ફરી ફોર્મમાં…

ભારતીય ટીમનો યુવા ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા T20 ક્રિકેટમાં ફરી એકવાર પોતાના વિસ્ફોટક ફોર્મમાં જોવા મળ્યો છે. પાવરપ્લેમાં મેચનું પાસું પલટવાની ક્ષમતા ધરાવતા અભિષેકે શેર-એ-પંજાબ T20 લીગના પ્રથમ મુકાબલામાં જ તોફાની ઇનિંગ્સ રમીને અફઘાનિસ્તાન સામેની આગામી T20 સીરિઝ પહેલાં પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે.

મોહાલીના PCA IS બિન્દ્રા સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં અમ્રિતસર સૂરમાઝ તરફથી ઓપનિંગ કરવા ઉતરેલા અભિષેક શર્માએ આક્રમક બેટિંગ કરી હતી:

>તેણે માત્ર 17 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી.
>સમગ્ર ઇનિંગ્સ દરમિયાન તેણે 296.15ના તોફાની સ્ટ્રાઇક રેટથી 26 બોલમાં 77 રન ફટકાર્યા, જેમાં 6 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગા સામેલ હતા.
>તેના ઓપનિંગ જોડીદાર સહજ ધવને 18 બોલમાં 45 રન અને નમન ધીરે 22 બોલમાં 5 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 47 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી.
>આ વિસ્ફોટક શરૂઆતને કારણે અમૃતસર સૂરમાઝની ટીમે 19.5 ઓવરમાં 258 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
>બોલિંગમાં અભિષેકે પહેલી જ ઓવરના ચોથા બોલ પર મનપ્રીત જોહલની વિકેટ ઝડપી હતી અને કુલ 2.3 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ મેળવી હતી.
અમ્રિતસરે 258 રન બનાવીને મેચ પર મજબૂત પકડ બનાવી લીધી હોવા છતાં, મોહાલી કિંગ્સના બેટ્સમેનોએ આ ટાર્ગેટ ચેઝ કરી બતાવ્યો હતો. મોહાલી કિંગ્સ તરફથી અનમોલપ્રીત સિંહે 51 બોલમાં 10 ચોગ્ગા અને 12 છગ્ગાની મદદથી 133 રન ની મેચ-વિનિંગ ઇનિંગ્સ રમી હતી. કેપ્ટન રમનદીપ સિંહે 40 બોલમાં અણનમ 69 રન બનાવીને અનમોલપ્રીત સાથે ચોથી વિકેટ માટે માત્ર 70 બોલમાં 151 રનની વિસ્ફોટક ભાગીદારી કરી હતી. પરિણામે, મોહાલી કિંગ્સે 19.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 259 રન બનાવીને 5 વિકેટે રોમાંચક જીત હાંસલ કરી લીધી હતી.
 ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 સપ્ટેમ્બરથી દિલ્હીમાં ત્રણ T20 મેચોની સીરિઝ રમાવાની છે, જેના માટે ટૂંક સમયમાં ભારતીય ટીમની જાહેરાત થશે. અભિષેક શર્માની આ વિસ્ફોટક ઇનિંગ્સ ટીમ સિલેક્શન માટે મહત્ત્વનો દાવો રજૂ કરે છે.

 અમ્રિતસર સૂરમાઝનો આગામી મુકાબલો 1 સપ્ટેમ્બરે પ્રભસિમરન સિંહના નેતૃત્વ હેઠળની જાલંધર વૉરિયર્સ સામે થશે. જ્યારે શુભમન ગિલની ફાઝિલ્કા ફાલ્કન્સ ટીમ 31 ઓગસ્ટે જાલંધર વૉરિયર્સ સામે પોતાની પ્રથમ મેચ રમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...