સહજ અને સકારાત્મક માઉથ પબ્લિસિટીના આધારે ‘હનુમાન અંશ’ ફિલ્મે 800 ટકાથી વધુ નફો કરીને ભારતીય બોક્સ ઓફિસ પર ઈતિહાસ સર્જ્યો છે. ગત 7 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘હનુમાન અંશ’ ફિલ્મે શરૂઆતના બે સપ્તાહમાં ઓછા ફોર્મ બાદ ત્રીજા અઠવાડિયાથી એવી ઝડપ પકડી હતી. જેમાં ફિલ્મે ત્રીજા સપ્તાહમાં અભૂતપૂર્વ ઉછાળો નોંધાવીને માત્ર ₹2 કરોડના બજેટ સામે મોટું પ્રોફિટ માર્જિન હાંસલ કર્યું છે.
પરંતુ 17મા દિવસથી પાસા પલટાયા હતા. 17મા દિવસે ફિલ્મે એક જ દિવસમાં ₹2.20 કરોડની કમાણી કરી હતી. સોશિયલ મીડિયા પર પ્રેક્ષકોના વખાણ અને એકબીજાને ફિલ્મ જોવાની ભલામણો વધતા જ સિનેમાઘરોમાં અચાનક પ્રેક્ષકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. પરિણામે ત્રીજા અઠવાડિયામાં જ ફિલ્મે ₹10.40 કરોડ કમાણી કરી હતી.
આ સાથે જ ફિલ્મનું ભારતમાં કુલ નેટ બોક્સ ઓફિસ કલેક્શન ₹18.13 કરોડ પર પહોંચી ગયું છે. પ્રથમ દિવસના ₹10 લાખના કલેક્શનની સરખામણીએ 22મા દિવસે ₹6.25 કરોડનું કલેક્શન એ સીધો 6,150% નો જંગી ઉછાળો દર્શાવે છે. માત્ર ₹2 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં 800 ટકાથી વધુ નફો કરી લીધો છે.
ફિલ્મ નિર્દેશક અને લેખક વિશાલ ચતુર્વેદીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, ફિલ્મ બનાવતા પહેલાં નિર્માતાઓએ પ્રખ્યાત સંત પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદ લીધા હતા. મહારાજે સલાહ આપી હતી કે નીમ કરોલી બાબાનું પાત્ર ભજવનાર કલાકાર અને સેટ પરના લોકોએ કડક સાત્વિક નિયમોનું પાલન કરવું પડશે.
વિશાલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, સેટ પર માત્ર શાકાહારી ભોજન જ પીરસવામાં આવતું હતું. દારૂ કે અન્ય કોઈ વ્યસન પર સખત મનાઈ હતી. શૂટિંગ દરમિયાન કોઈ પણ વ્યક્તિ ગાળો બોલી શકતી નહોતી કે કોઈ પણ પ્રકારનો ઝગડો કરી શકતી નહોતી. દરરોજ શૂટિંગની શરૂઆત અને અંત હનુમાન ચાલીસાના પાઠથી કરવામાં આવતો હતો. જ્યારે પણ સેટ પર કોઈ મુશ્કેલી આવતી, આખી ટીમ હનુમાન ચાલીસાના જાપ કરતી હતી.
દિગ્દર્શકે વધુમાં ઉમેર્યું હતું કે, તેમની પાસે ફિલ્મના માર્કેટિંગ કે પબ્લિસિટી માટે પૈસા નહોતા. તેથી તેમણે પરંપરાગત પ્રમોશન કરવાને બદલે 8 જગ્યાએ મોટા ભંડારા યોજ્યા હતા. આ ભંડારા જ તેમનું મુખ્ય પ્રમોશન સાબિત થયા અને નીમ કરોલી બાબાનો મેસેજ લોકો સુધી પહોંચ્યો હતો. આ ઉપરાંત, સેન્સર બોર્ડ(CBFC) દ્વારા ફિલ્મને આપવામાં આવેલું ‘U’ સર્ટીફિકેટ પણ પરિવાર સાથે ફિલ્મ જોવા આવતા દર્શકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.
