અમદાવાદના મોટેરા વિસ્તારમાં સધી માતા રોડ પર ‘અપર કલેક્ટર’ લખેલી મધ્યપ્રદેશ પાસિંગની ઇનોવા કારે ટ્યુશનના વિદ્યાર્થીઓને લઈ જતી ઇકો કારને ટક્કર મારી હતી. સોમવારે રાત્રે બનેલી આ ઘટનામાં બે વિદ્યાર્થીઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ઇનોવામાં સવાર બંને વ્યક્તિઓને રોકીને પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. વિદ્યાર્થીઓને ઇજા થઈ હોવા છતાં પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાથી પોલીસની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા હોવાનું પણ ભોગ બનનાર તથા તેના વાલીઓ દ્વારા કરવામાં આવી છે.
આ મામલે ડેપ્યુટી કલેક્ટરના પુત્ર સમય જયસ્વાલનું નામ સામે આવ્યું છે. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસના પીઆઈ એસ.ડી. પટેલે જણાવ્યું હતું કે અકસ્માત સર્જનાર ઇનોવા અપર કલેક્ટરની છે. ગાડીના આગળના બોર્ડ પર કપડું લગાવવામાં આવ્યું હતું, જે અકસ્માત થતાં નીકળી ગયું હતું. પીઆઈના જણાવ્યા મુજબ, બંને પક્ષો વચ્ચે અંદરોઅંદર સમાધાન થઈ જતાં કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. જોકે, અકસ્માતમાં બે વિદ્યાર્થીઓને ઇજા થઈ હોવા છતાં ફરિયાદ નોંધવામાં ન આવતાં અનેક સવાલો ઊભા થયા છે.
આ ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે ટ્યુશનના વિદ્યાર્થીઓને લઈ જતી ઇકોને ટક્કર મારનાર કાર સામે પોલીસ ફરિયાદ કેમ નોંધવામાં આવી નહીં? કાર કોણ ચલાવી રહ્યું હતું, ડેપ્યુટી કલેક્ટરના પુત્ર સમય જયસ્વાલની તેમાં શું ભૂમિકા હતી અને સરકારી હોદ્દાનું બોર્ડ તથા સાઇરન લગાવેલી કારનો ઉપયોગ શા માટે થઈ રહ્યો હતો તે અંગે પણ સ્પષ્ટતા સામે આવી નથી. અધિકારીઓનાં નામ કે હોદ્દાનાં બોર્ડ લગાવેલી ગાડીઓ દ્વારા અકસ્માત સર્જાવાની ઘટનાઓ વચ્ચે આ કિસ્સામાં પણ ફરિયાદ નોંધ્યા વિના સમાધાનના આધારે મામલો પૂરો કરવામાં આવતાં પોલીસની કાર્યવાહી સામે સવાલો ઊઠ્યા છે.
