યુવકના મોતના કિસ્સામાં મૃતદેહ સ્વીકારવા પરિવારનો ઇનકાર

યુવકના મોતના કિસ્સામાં મૃતદેહ સ્વીકારવા પરિવારનો ઇનકાર

કોર્પોરેશનના ડોર ટુ ડોર કલેક્શનના ટેમ્પા ચાલકે ઘર આંગણે બેઠેલા યુવકને કચડી નાખતા તેનું મોત થયું છે.મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી ડ્રાઇવરને ઝડપી પાડી જેલમાં મોકલી આપ્યો છે. બીજી તરફ પરિવારે યોગ્ય વળતરની માગણી કરી મૃતદેહ સ્વીકારવાની ના પાડતા તંત્ર દોડતું થઇ ગયું છે.

બેફામ રીતે દોડતા ડોર ટુ ડોર કચરાની ગાડીઓના ડ્રાઇવરો દ્વારા અવાર નવાર અકસ્માત કર્યા હોવાના કિસ્સાઓ આવે છે. આ ગાડીના ડ્રાઇવરો માટે ઓવરલોડ, જોખમી અને રોંગ સાઇડ ડ્રાઇવિંગના નિયમો માત્ર કાગળ પર જ હોય છે. જેના કારણે તેઓ બેફામ બને છે. ગઇકાલે બપોેરે મકરપુરા જશોદા કોલોનીમાં ઘર પાસે બેઠેલા યુવક અનિલ ઠાકોરને ડોર ટુ ડોર કચરાની ગાડીના ડ્રાઇવરે અડફેટે લેતા ગંભીર ઇજા થતા મોત થયું હતું. મકરપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ડ્રાઇવર કપિલ રમસુભાઇ ચરકોટા, ઉં.વ.૨૦,(રહે. ખિસકોલી સર્કલ પાસે, મૂળ રહે. બાંસવાડા, રાજસ્થાન) ની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યોહતો.

પી.એસ.આઇ. પી.એ. ભેડાએ ગુનાની ગંભીરતા અંગે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરતા તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, રોડ પર આવેલા ખાડામાં થ્રી વ્હીલ ટેમ્પાનું ટાયર પડતા બેલેન્સ નહીં રહેતા અકસ્માત થયો હતો.
દરમિયાન સયાજી હોસ્પિટલમાં મૃતકનું પી.એમ. કરવામાં આવ્યા પછી મૃતદેહ પરિવારને સોંપવાનો હતો. કોર્પોરેશન દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માગણી કરીને પરિવાર, સગાસંબંધીઓ તેમજ સામાજિક કાર્યકરોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે મૃતદેહને કોલ્ડ રૃમમાં મૂકવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...