ગોરવા વિસ્તારમાં ત્રણ મહિના પહેલાં જ ચાય કા અડ્ડા નામની દુકાન ચાલુ કરનાર બે મિત્રો વચ્ચે ધંધાકીય બાબતે તકરાર થતાં સુફિયાન નામના ભાગીદારે તેના જ મિત્ર અને ભાગીદાર મનમોહનસિંગને કેનાલમાં ફેંકી દઇ ઘાતકી હત્યા કરી હોવાનો બનાવ બનતાં ગોરવા પોલીસે સુફિયાનની ધરપકડ કરી છે.
કરોડિયા રોડની જનકપુરી સોસાયટીમાં રહેતો મૂળ યુપીના વતની મનમોહનસિંગ સંજયસિંગ(૨૫વર્ષ) અને તેના મિત્ર સુફિયાન અબ્દુલસત્તાર સિદ્દિકી(શિફા કોમ્પ્લેક્સ,મધુ નગર,ગોરવા મૂળ બલરામપુર,યુપી)એ મધુ નગર બ્રિજ પાસે પાર્ટનરશિપમાં ચાય કા અડ્ડા નામની દુકાન શરૃ કરી હતી.
મનમોહનસિંગ અને સુફિયાન વચ્ચે ધંધાદારી બાબતે ખટરાગ થતાં સુફિયાને મનમોહનને ઘેર જઇ દુકાને અનિયમિત આવતો હોવાનું કહી ધમકાવ્યો હતો. ત્યારબાદ સુફિયાન તા.૨૬મીએ મધરાત્રે મનમોહનને ઘેર ગયો હતો અને તેને બાઇક પર લઇ ગોરવા કેનાલે ગયો હતો.જ્યાં સુફિયાને બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી અને મનમોહનને ધક્કો મારી કેનાલમાં ફેંકી દીધો હતો.
પાણીનું વહેણ વધુ હોવાથી ગોરવાના પીઆઇ કિરિટ લાઠિયાએ ફાયર બ્રિગેડની વધુ કુમક માગી હતી અને તપાસ કરાવતાં આજે દસ કિમી દૂર હિંગલોટ ગામ પાસેથી મનમોહનનો મૃતદેહ મળી આવ્યો હતો.ગોરવા પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપી સુફિયાન સિદ્દિકીને ઝડપી પાડયો છે.
કરોડિયારોડ વિસ્તારમાં જનકપુરીમાં રહેતા મનમોહન સિંગને દુકાન કરતાં નોકરીમાં વધુ રસ હતો.જ્યારે,સુફિયાન તેને દુકાને નિયમિત આવવા દબાણ કરતો હતો.
સુફિયાને મનમોહનને ઘેર જઇ ઝઘડો પણ કર્યો હતો અને તેને મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.તા.૨૫મીએ રાત્રે પણ તે ઘેર આવ્યો હતો અને ગાળાગાળી કરી સુફિયાનને બાઇક પર લઇ ગયો હતો.જેથી તેના પર શંકા મજબૂત થઇ હતી.બનાવને નજરે જોનાર વ્યક્તિ પણ પોલીસને મળી જતાં તેનું નિવેદન લેવામાં આવ્યું છે.પોલીસ બીજા પણ પુરાવા એકત્રિત કરી રહી છે.
મિત્રની હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે સુફિયાન પણ મનમોહન કૂદી પડયો હોવાની વાતો કરતો હતો.
મનમોહનની હત્યા બાદ આ બનાવ આત્મહત્યાનો છે તેમ પોલીસ અને ફાયર બ્રિગેડના મનમાં ઠસાઇ ગયું હોવાનું જણાતાં સુફિયાન બિન્ધાસ્ત ફરી રહ્યો હતો.
પરંતુ ગોરવાના પીઆઇ કિરિટ લાઠિયા અને ટીમોની તેની ગતિવિધિ પર નજર હતી.જેથી મનમોહનની લાશ મળી તે સાથે જ પોલીસે તેને ઘરપાસેથી દબોચી લીધો હતો.હત્યાના બનાવની કબૂલાત નહિ કરી ગોળગોળ જવાબ આપતા સુફિયાનને પીઆઇ એ તારા સીસીટીવી ફૂટેજ આવી ગયા છે તેમ કહી ધમકાવતાં તેણે પોપટની જેમ હત્યાની કબૂલાત કરી હતી.
