ભૂપેન્દ્ર યાદવની જગ્યાએ RSS બેકગ્રાઉન્ડ ધરાવતા આ નેતા બન્યા પ્રભારી

ભૂપેન્દ્ર યાદવની જગ્યાએ RSS બેકગ્રાઉન્ડ ધરાવતા આ નેતા બન્યા પ્રભારી

ભાજપની ‘રાજકીય પ્રયોગશાળા’ ગણાતા ગુજરાતમાં સંગઠનાત્મક સ્તરે મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીના પરિણામો અને આગામી રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ભાજપ નેતૃત્વ દ્વારા ગુજરાત ભાજપના પ્રભારી તરીકે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના સ્થાને રાજ્યસભાના સાંસદ તરુણ ચુગની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલને ઉત્તર પ્રદેશના સહ-પ્રભારી બનાવીને રાષ્ટ્રીય ફલક પર મોટી જવાબદારી સોંપાઈ છે.

 લાંબા સમયથી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ કેન્દ્ર સરકારમાં મંત્રી હોવાના કારણે વ્યસ્ત રહેતા હતા. આ સંજોગોમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની અને વિધાનસભાની ચૂંટણીઓની વ્યૂહરચનાને અત્યારથી જ ધારદાર બનાવવા માટે ભાજપ હાઇકમાન્ડને સંગઠન પર મજબૂત પકડ ધરાવતા ચહેરાની જરૂર હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની પૃષ્ઠભૂમિ ધરાવતા તરુણ ચુગ ભાજપના ટોચના વ્યૂહરચનાકારોમાંના એક ગણાય છે. જેથી પ્રદેશ પ્રભારી પદ સોંપીને હાઇકમાન્ડે તેમના પર મોટો ભરોસો મૂક્યો છે.

આ સંગઠનાત્મક ફેરફારમાં માત્ર ગુજરાતને નવા પ્રભારી જ મળ્યા નથી, પરંતુ ગુજરાતના સંગઠનની તાકાતને રાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા મળી છે. ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને હાલના રાષ્ટ્રીય સચિવ જગદીશ પટેલને ઉત્તર પ્રદેશ જેવા રાજકીય રીતે અત્યંત મહત્ત્વના રાજ્યના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ વિનોદ તાવડે સાથે ઉત્તર પ્રદેશમાં સંગઠનાત્મક કામગીરી સંભાળશે. આ નિર્ણયોથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત ભાજપ હવે સંપૂર્ણપણે ઇલેક્શન મોડમાં આવી ગયું છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...