પાકિસ્તાનના રાષ્ટ્રપતિને જાવેદ અખ્તરે બરાબરના તતડાવ્યાં

પાકિસ્તાનના રાષ્ટ્રપતિને જાવેદ અખ્તરે બરાબરના તતડાવ્યાં

પાકિસ્તાનના પ્રમુખ આસિફ અલી જરદારી દ્વારા દેશની હિન્દુ વસ્તીને સહન કરવા અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન પર જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે આકરા પ્રહારો કર્યા છે. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે તેઓ જરદારીની આ માનસિકતાને સારી રીતે સમજી શકે છે, કારણ કે તેમને હંમેશા 10 ટકાથી નીચે કોઈપણ બાબતમાં મુશ્કેલી અનુભવાતી હોય છે. પાકિસ્તાની રાજકારણમાં અગાઉ એવા અહેવાલો ચર્ચામાં રહ્યા હતા કે સત્તામાં રહેલા નેતાઓ દરેક પ્રોજેક્ટમાં મોટો હિસ્સો મેળવતા હતા, જેના કારણે આ પ્રકારના કટાક્ષ કરવામાં આવ્યા છે.

પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ એટલે કે 14 ઓગસ્ટના અવસર પર જનતાને સંબોધિત કરતી વખતે પ્રમુખ આસિફ અલી જરદારીએ દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં 3 થી 4 ટકા હિન્દુ વસ્તી રહે છે અને દેશ તેમને સહન કરે છે. તેમણે બે રાષ્ટ્રોના સિદ્ધાંતનો ઉલ્લેખ કરતા એમ પણ કહ્યું હતું કે આ લઘુમતી ભારતની સાથે જવાને બદલે પાકિસ્તાનમાં જ રહેવાનું પસંદ કરે છે. તેમના આ નિવેદને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે, કારણ કે લઘુમતીઓની સ્થિતિને લઈને આ પ્રકારના નિવેદનો અવારનવાર વિવાદો ઊભા કરતા હોય છે.

આસિફ અલી જરદારીના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો, બેનઝીર ભુટ્ટો સાથેના લગ્ન બાદ તેઓ મુખ્ય રાજકારણમાં આવ્યા હતા અને ત્યારબાદ દેશની રાજનીતિમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભૂતકાળમાં એકબીજાના વિરોધી રહેલા પક્ષો હવે સત્તા માટે સાથે આવ્યા છે. વર્તમાન સમયમાં દેશમાં રાષ્ટ્રપતિ તરીકે આસિફ અલી જરદારી છે. જ્યારે વડાપ્રધાન તરીકે શહબાઝ શરીફ સરકારી કારોબાર સંભાળી રહ્યા છે, જ્યારે બીજી બાજુ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન જેલની અંદર છે. આ બદલાતા રાજકીય માહોલ વચ્ચે લઘુમતી વસ્તીને લઈને આપવામાં આવતા આવા નિવેદનો દેશની આંતરિક પરિસ્થિતિ અને વિચારધારા પર મોટા સવાલો ખડા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...