ભારતના જુદા-જુદા 8 રાજ્યોમાં જુદી-જુદી એપીકે ફાઇલ મોકલી સાયબર ફ્રોડ કરતી આંતરરાજ્ય ટોળકીના ચાર સભ્યોને રાજકોટ રૂરલ પોલીસના સાયબર ક્રાઇમ પોલીસના સ્ટાફે ઝડપી લીધા છે. આ ટોળકીએ અનેક રાજ્યોમાં એપીકે ફાઇલ મારફત લાખો-કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. ઘણા રાજ્યોની પોલીસ આ ટોળકીને પકડવા મથતી હતી. પરંતુ સફળતા મળતી ન હતી. પ્રાથમિક તપાસમાં જ આ ટોળકી વિરૂધ્ધ 55થી વધુ ઠગાઇના કિસ્સા દેશભરમાં નોંધાયાની માહિતી મળી છે. નોંધાયા ન હોય તેવા પણ અનેક કિસ્સા હોવાની પણ સંભાવના છે.
તપાસ દરમિયાન આ ઠગાઇ કરનાર ટોળકી કોલકાતાથી ઓપરેટ કરતી હોવાનું જાણવા મળતાં પોલીસની ટીમો કોલકાતા, દાર્જિલિંગ અને કર્ણાટક રવાના કરી હતી. આખરે મુખ્ય સૂત્રધાર મોહમ્મદ દાનીશ આલમગીર રીઝવી (ઉ.વ.28, રહે. કોલકાતા)ને કોલકાતાથી જ્યારે મોહમ્મદ તૌસિફ રઝા અને તેની પ્રેમિકા ઝોયા ખાનને કર્ણાટકથી ઝડપી લીધી હતી. આજે આ ટોળકીનો ચોથો સભ્ય અય્યાઝ આલમ કોલકાતાથી ઝડપાઇ ગયો હતો.
સાયબર ક્રાઇમ પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ટોળકી પશ્ચિમ બંગાળમાં કોલ સેન્ટર રાખી, જુદી-જુદી મહિલાઓના નામે વોટ્સએપ ગુ્રપ બનાવી, તેના મારફત લગ્નના આમંત્રણ, કુરિયર, વીજળીના બીલ, ઇ-ચલણ અને બીજી એપીકે ફાઇલ મોકલતી હતી. આ એપીકે ફાઇલ મારફત શિકારના મોબાઇલ ફોનને હેક કરી તેમના ખાતામાંથી રકમ ઉપાડી લેતી હતી.
આ ટોળકી પાસેથી પોલીસે 11 મોબાઇલ ફોન, સોનાના 13 સિક્કા, સોનાનો ચેઇન, રૂા. 1.29 લાખ રોકડા, 18 ક્રેડીટ અને ડેબીટ કાર્ડ, 7 સીમકાર્ડ મળી કુલ રૂા. 18.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ટોળકી વિરૂધ્ધ રાજકોટ રૂરલ ઉપરાંત ધોરાજી તાલુકા, દાદરા નગર હવેલી, ઉદયપુર, મુંબઇ અને રાજકોટના થોરાળા પોલીસ મથકમાં 7 ગુના નોંધાયેલા છે.
એટલું જ નહીં એનસીસીઆરપી પોર્ટલ ઉપર આ ટોળકીનો ભોગ બનેલા રાજકોટ, અમદાવાદ, જામનગર, વલસાડ, સુરત, વડોદરા, જૂનાગઢ, અરવલ્લી, સાબરકાંઠા સહિતના રહીશોએ પણ ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત અન્ય રાજ્યોના લોકોએ પણ ઓનલાઇન ફરિયાદો નોંધાવેલી છે. આ રીતે કુલ 55થી વધુ ફરિયાદો આ ટોળકી સામે નોંધાયેલી છે.
મુખ્ય સૂત્રધાર મોહમ્મદ દાનીશ ઉર્ફે ડેનિયલ એપીકે ફાઇલોનો જાણકાર છે. સાયબર ફ્રોડ આચરવા માટેની એપની જાણકારી ધરાવતા ડેવલોપર સાથે સંપર્ક ધરાવતો હતો. તે આરોપી તૌસિફ અને ઝોયા સાથે મળી સાયબર ફ્રોડથી મેળવેલા નાણામાંથી સોનાના સિક્કા અને ઘરેણાની ખરીદી કરી તેને વેચી રોકડી કરી લેતો હતો. તેમાંથી પોતાનો હિસ્સો રાખી બાકીની રકમ અન્ય સભ્યો ઉપરાંત એપ ડેવલોપર વચ્ચે વેચી દેતો હતો. જ્યારે બીજો આરોપી મોહમ્મદ તૌસિફ તેની પ્રેમિકા ઝોયા સાથે મળી સાયબર ફ્રોડની રકમમાંથી સોનાના સિક્કા અને ઘરેણાની ખરીદી કરવા જુદા-જુદા રાજ્યોમાં જતો હતો. ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ કરતા હતા. જે માટે મોહમ્મદ તૌસિફ ક્યુઆર કોડ મોકલતો હતો. ખરીદી માટે ખોટુ આઈડી પ્રૂફ પણ બતાવતા હતા. અન્યોના નામે બીલો બનાવડાવતા હતા. મોહમ્મદ દાનિશના કોલ સેન્ટર જેવા ફલેટમાં જરૂર જણાય તો ડોક્યુમેન્ટસને એડીટ પણ કરતા હતા.
ઝડપાયેલી ટોળકી લગ્નના આમંત્રણની, સેક્સી ગર્લને લગતી, વેડિંગ વીડિયો, સેક્સી વીડિયો કોલ, બેંકને લગતી ઉપરાંત હેલ્પલાઇનને લગતી જુદી-જુદી 19 પ્રકારની એપીકે ફાઇલ બનાવી સાયબર ફ્રોડ કરતી હતી. આ તમામ એપીકે ફાઇલના નમૂના સાયબર ક્રાઇમ પોલીસે કબજે કર્યાં છે.
મોહમ્મદ તૌસિફ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે સ્વરૂપવાન યુવતી અને યુવકોના પ્રોફાઇલ બનાવી તેમની સાથે વાતચીત કર્યા બાદ ભોળવીને એપીકે ફાઇલ મોકલી દેતો હતો. જો ભોગ બનનાર તેની ઉપર વિશ્વાસ ન કરે તો મહિલા મિત્ર ઝોયા ખાન પાસેથી વોઇસ મેસેજ મોકલી વિશ્વાસ સંપાદન કરી લેતો હતો. એપીકે ફ્રોડને કારણે વિભિન્ન પ્રકારની એપીકે ફાઇલ દ્વારા સમયાંતરે અપગ્રેડ કરવામાં આવતી હોય છે. જેથી તે તેના બેક એન્ડ ડેવલોપર પાસેથી આ કામ કરાવતો હતો.
એપીકે ફ્રોડ કરતી ટોળકી ઝડપાયા બાદ પોલીસે ફરીથી અજાણ્યા સોર્સમાંથી મોબાઇલમાં આવતી એપીકે ફાઇલ ડાઉનલોડ કે ઇન્સ્ટોલ નહીં કરવા કે તેને ખોલવાનો પ્રયત્ન નહીં કરવાની અપીલ કરી છે. જો કોઇ જાણીતા પાસેથી એપીકે ફાઇલ આવે તો પણ તેનો સંપર્ક કરી ખરાઇ કરી લેવા અનુરોધ કર્યો છે. વીજળીનું બીલ, બેન્ક કેવાયસી, ઇ-ચલણ, કુરિયર ડીલીવરી કે લગ્નના આમંત્રણના નામે આવતી લીંકથી સાવચેત રહેવા, પોતાની સંવેદન જાણકારી નહીં આપવા સહિતની બાબતે સચેત રહેવા પણ અનુરોધ કર્યો છે.
