પવિત્ર આસો નવરાત્રિ મહોત્સવ અંતર્ગત ચોટીલા ખાતે માઈભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આસો માસના ત્રીજા નોરતે ડુંગર ઉપર બિરાજમાન જગતજનની મા ચામુંડાના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી રહી છે. નવરાત્રિના પાવન પર્વને પગલે સમગ્ર ચોટીલા ધામ મા અંબે અને મા ચામુંડાના જયઘોષથી ભક્તિમય વાતાવરણમાં ગુંજી ઉઠ્યું છે.
નવરાત્રિના પહેલા દિવસથી જ ચોટીલા ધામમાં અદભુત અને ભક્તિમય માહોલ જામ્યો છે. ત્રીજા નોરતે ખાસ કરીને રાજ્યના ખૂણે-ખૂણેથી તેમજ દૂર-દૂરના વિસ્તારોમાંથી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ચોટીલા ધામે પહોંચ્યા છે. ડુંગર પર માતાજીના નિજ મંદિર સુધી પહોંચવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારની આરતીથી જ માઈભક્તો મા ચામુંડાના ચરણોમાં શિશ નમાવવા કતારબદ્ધ ઊભેલા નજરે પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આસો નવરાત્રિ દરમિયાન ચોટીલા ખાતે હજુ પણ આગામી દિવસોમાં ભક્તોનો ભારે ઓધરાવ રહેવાની શક્યતા સેવાઈ રહી છે.
