ઇરિગેશન કચેરીમાં 51 હજારની લાંચ લેતાં જુનિયર ક્લાર્ક અને પ્યૂન પકડાયા

ઇરિગેશન કચેરીમાં 51 હજારની લાંચ લેતાં જુનિયર ક્લાર્ક અને પ્યૂન પકડાયા

સરકારી કચેરીમાં કામ કરાવવા લાંચ આપવી પડે તેવી ભ્રષ્ટાચારની ફરિયાદો વચ્ચે અમરેલીની બહુમાળી ભવન સ્થિત ઇરીગેશન કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવી રૂા.૫૧ હજારની લાંચ લેતા બે કર્મચારીઓને ઝડપી પાડયા છે. બાંધકામનાં બાકી બિલો અને સામગ્રીના ટેસ્ટિંગનાં બિલો મંજૂર કરવાના બદલામાં જુનિયર ક્લાર્કે લાંચની માંગણી કરી હતી. જો કે, લાંચની રકમ પોતે સ્વીકારવાને બદલે પટ્ટાવાળા મારફતે સ્વીકારાવવામાં આવતાં એસીબીની કાર્યવાહીમાં બંને ઝડપાઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, એક કોન્ટ્રાક્ટરને વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન અમરેલીના ઇરીગેશન વિભાગ તરફથી અલગ-અલગ બાંધકામનાં વર્ક ઓર્ડર મળ્યા હતા. કામગીરી પૂર્ણ થયા બાદ તેમની કોન્ટ્રાકટર કંપનીના ખાતામાં બિલની રકમ જમા થઈ હતી. જો કે, કેટલાક બાકી બિલો તેમજ બાંધકામમાં વપરાયેલી સામગ્રીના ટેસ્ટિંગનાં બિલોની રકમ મંજૂર કરવાની બાકી હતી. આ બિલો મંજૂર કરવાના બદલામાં અગાઉ ચૂકવાયેલી બિલની રકમના એક ટકા લેખે જુનિયર ક્લાર્ક રાકેશ વિનોદરાય ભટ્ટે કોન્ટ્રાક્ટર પાસે રૂા. ૫૧,૦૦૦ની લાંચ માગી હતી. પરંતુ લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

જેના આધારે અમરેલી એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.બી. ડાભી અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું. દરમિયાન જુનિયર ક્લાર્ક રાકેશ ભટ્ટે કોન્ટ્રાક્ટર સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને તેમના કહેવાથી કરાર આધારિત પટ્ટાવાળા જયદીપ ચતુરભાઈ હરિયાણીએ રૂા. ૫૧,૦૦૦ સ્વીકાર્યા હતા. આ સમયે એસીબીની ટીમે કાર્યવાહી કરીને બંનેને ઝડપી પાડયા હતા અને લાંચની સંપૂર્ણ રકમ કબજે કરી હતી. જે બન્ને આરોપીઓમાં રાકેશ વિનોદરાય ભટ્ટ (ઉં.વ. ૫૦, જુનિયર ક્લાર્ક, વર્ગ-૩, રહે. રોયલ પાર્ક સોસાયટી, લાઠી રોડ, અમરેલી) અને જયદીપ ચતુરભાઈ હરિયાણી (ઉં.વ. ૩૦, કરાર આધારિત પટ્ટાવાળા, રહે. બ્રાહ્મણ સોસાયટી, શેરી નં. ૫, લાઠી રોડ, અમરેલી)નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...