અમદાવાદના નરોડા પોલીસ મથકમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા અને ગત 29 ઑક્ટોબરે પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયેલા કાચા કામના કેદી રાધે ઉર્ફે ગોપાલ રાજેશભાઈ ઠક્કરને પોલીસે પાંજરાપોળ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ જાપ્તામાં રહેલા ASIને બજારભાવ કરતાં સસ્તા ભાવે સોનું અપાવવાની લાલચ આપી વસ્ત્રાલના સોના ચાંદી જ્વેલર્સ ખાતે લઈ જઈ ત્યાંથી ફરાર થઈ મુંબઈ ભાગી ગયો હતો. જો કે, ત્યાં રૂપિયા ખૂટી પડતાં તે અમદાવાદ પરત આવ્યો હતો. આરોપી દાઢી અને વાળ કપાવી ઓળખ બદલી રિક્ષામાં ફરી રહ્યો હતો ત્યારે પોલીસે તેને દબોચી લીધો હતો.
નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં આરોપી રાધે ઉર્ફે ગોપાલ રાજેશભાઈ ઠક્કર સામે 30 ઑક્ટોબરે કોર્ટનો ચુકાદો આવવાનો હતો. તે પૂર્વે 29 ઑક્ટોબરે તે પોલીસ જાપ્તામાં રહેલા ASI રાજેશભાઈ દયારામભાઈના તાબામાં હતો. આરોપીએ ASIને સસ્તા અને વ્યાજબી ભાવે સોનું અપાવવાની લાલચ આપતાં તેઓ તેને વસ્ત્રાલ સ્થિત સોના ચાંદી જ્વેલર્સ ખાતે લઈ ગયા હતા, જ્યાંથી તે તક જોઈને નાસી છૂટ્યો હતો. આ મામલે રામોલ પોલીસે ASI અને રાધે સામે ગુનો નોંધ્યો હતો. વસ્ત્રાલથી નાસીને આરોપી સીધો મુંબઈ જતો રહ્યો હતો. જો કે, મુંબઈમાં નાણાં ખૂટી પડતાં તે ફરીથી અમદાવાદ આવ્યો હતો. પોલીસ પકડથી બચવા તેણે દાઢી કરાવી અને વાળ ટૂંકા કરાવી સંપૂર્ણ લુક બદલી નાખ્યો હતો. તે ગોતા, શાહીબાગ, વટવા અને નરોડા વિસ્તારમાં રિક્ષામાં અવરજવર કરતો હતો. પાંજરાપોળ ખાતે પકડાયા બાદ તેણે પોલીસને ખોટું નામ આપી ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ કડકાઈથી પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલો આરોપી રાધે ઉર્ફે ગોપાલ ઠક્કર મૂળ વડોદરાનો વતની છે અને અગાઉ મુંબઈમાં મીઠાઈની દુકાન ચલાવતો હતો. તેને ક્રિકેટ સટ્ટો રમવાની લત હતી. મુંબઈમાં વેપાર અને સટ્ટાકીય પ્રવૃત્તિ દરમિયાન તે એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું, જેને લઈને નરોડા પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધાયો હતો.
ASIએ સિવિલ હોસ્પિટલમાંથી જ પોતાના સાથી કર્મચારીને જણાવ્યું હતું કે, આરોપી તેમનો સંબંધી થાય છે, જ્યારે હકીકતમાં તેમની વચ્ચે કોઈ સંબંધ નહોતો. આરોપી ફરાર થઈ ગયા બાદ પોલીસ તંત્રને ગેરમાર્ગે દોરવા ASIએ કંટ્રોલ રૂમમાં પહેલાં માધુપુરા વિસ્તારમાંથી અને ત્યારબાદ રાત્રે વસ્ત્રાલ ચોકડીથી આરોપી ભાગી ગયો હોવાની ખોટી વર્ધી લખાવી હતી.
