અમદાવાદમાં શહેરીજનો 150 કરોડથી વધુનું સોનું-ચાંદી ખરીદે તેવી શક્યતા

દિવાળીના તહેવારને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલાં જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરની બજારોમાં ખરીદીની રોનક જોવા મળી રહી છે. જોકે, સોના-ચાંદીના આસમાને પહોંચેલા ભાવના કારણે સોની બજારમાં અપેક્ષા મુજબનો માહોલ જોવા મળતો નથી. બે વર્ષ પહેલાંની સરખામણીએ હાલ બજારમાં વેપાર ઘટીને 50થી 60 ટકા જેટલો જ રહી ગયો છે. સોનાના ભાવમાં સતત થઈ રહેલી વધઘટ અને અનિશ્ચિતતાને પગલે ગ્રાહકો મોટા દાગીના ખરીદવાનું ટાળી રહ્યા છે.

એક સમયે સોનાના ભાવ વધીને પોણા બે લાખ રૂપિયા પ્રતિ તોલા સુધી પહોંચી ગયા હતા, જે હાલમાં ઘટીને રૂ. 1.48 લાખ થઈ ગયા છે. તેવી જ રીતે વર્ષની શરૂઆતમાં સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ. 1.76 લાખ અને ચાંદીનો એક કિલોનો ભાવ રૂ. 3.86 લાખ સુધી પહોંચ્યો હતો, જે ઘટીને અનુક્રમે રૂ. 1.48 લાખ અને રૂ. 2.10 લાખ થઈ ગયો છે. આમ ભાવમાં ઘટાડો થયો છે, છતાં અમદાવાદની સોની બજારમાં ખરીદીમાં કોઈ વધારો થયો નથી. દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં સોના-ચાંદીનું લોકલ માર્કેટ રૂ. 150 કરોડ આસપાસ રહેવાની ચર્ચા છે.

સોનાના ગગનચૂંબી ભાવને કારણે મધ્યમ વર્ગીય પરિવારો માટે સોનું ખરીદવું એક સ્વપ્ન સમાન બની ગયું છે. લગ્નસરાની સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં નવી ખરીદીએ જોર પકડ્યું નથી. સોની વેપારીઓના જણાવ્યા અનુસાર, હાલ 80 ટકા ખરીદદારો પોતાના જૂના દાગીના આપી તેની સામે નવું સોનું લઈ રહ્યા છે, જ્યારે માત્ર 20 ટકા લોકો જ નવું સોનું ખરીદી રહ્યા છે. ધનતેરસના દિવસે સોનું-ચાંદી ખરીદવું શુભ ગણાતું હોવાથી લોકો શુકન પૂરતી ખરીદી તરફ વળ્યા છે અને 9થી 18 કેરેટના હળવા વજનના દાગીના તથા રૂ. 15થી 25 હજારના સોના-ચાંદીના દાગીનાની માંગ વધારે જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *