વડોદરામાં સૂચિત સોસાયટીઓના દસ્તાવેજો અને તેને લગતી સમસ્યાઓના ઉકેલ માટે માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય સતિષ પટેલે કરેલી રજૂઆત બાદ માંજલપુર મામલતદાર કચેરી ખાતે ગઈ કાલે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સૂચિત સોસાયટીઓના પ્રમુખો, મંત્રીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં પોતાની સોસાયટીના દસ્તાવેજી પુરાવા સાથે પહોંચ્યા હતા. વર્ષોથી દસ્તાવેજો કરાવવા માટે કચેરીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆતો કરીને થાકી ગયેલા રહીશોને આ કેમ્પથી હવે આશા જાગી છે.
કેમ્પમાં કલેક્ટર દ્વારા મામલતદાર સહિત 10 મહેસૂલી અધિકારીઓને હાજર રાખવામાં આવ્યા હતા. સૂચિત સોસાયટીઓના આગેવાનો પાસેથી દસ્તાવેજી પુરાવા મેળવી તેની ચકાસણી અને રજૂઆતો સાંભળવાની કામગીરી કરવામાં આવી હતી. જે સોસાયટીઓ નક્કી કરાયેલા માપદંડોમાં આવતી ન હતી તેવી સોસાયટીઓના આગેવાનોએ પણ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી પોતાના દસ્તાવેજો જમા કરાવ્યા હતા. કેમ્પમાં દસ્તાવેજો લઈને આવેલા તમામ સોસાયટીઓના પ્રતિનિધિઓના દસ્તાવેજો સ્વીકારવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ધારાસભ્ય સતિષ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે મહેસૂલી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. કલેક્ટરે પણ કેમ્પની મુલાકાત લઈને હાજર અધિકારીઓ પાસેથી કામગીરીની માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી. અધિકારીઓ દ્વારા સોસાયટીના આગેવાનોને સમજાવવામાં આવ્યું હતું કે જે સોસાયટીઓના દસ્તાવેજો નિયમો મુજબ થઈ શકે તેમ હશે તેવા કિસ્સાઓમાં કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે સરકારની મંજૂરી જરૂરી હશે તેવા કિસ્સાઓમાં સરકાર સમક્ષ રજૂઆત કરી મુખ્યમંત્રી સુધી પ્રશ્ન પહોંચાડીને ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવશે. જે કિસ્સાઓમાં સીધો ઉકેલ શક્ય ન હોય તેમાં અધિકારીઓ પાસેથી માર્ગદર્શન મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સૂચિત સોસાયટીઓના દસ્તાવેજોનો પ્રશ્ન છેલ્લા 35 વર્ષથી અનેક રહીશોને સતાવી રહ્યો છે. ચૂંટણી સમયે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતાં રહીશો નિરાશ થઈ ગયા હતા. હવે પ્રથમ વખત મોટી સંખ્યામાં સોસાયટીઓના દસ્તાવેજો એક જ સ્થળે સ્વીકારી કાર્યવાહી હાથ ધરાતાં વર્ષો જૂની સમસ્યાના ઉકેલની આશા બંધાઈ છે.
