અમદાવાદના રસ્તાઓ પર ફરી એકવાર દારૂના નશામાં ધૂત કારચાલકનો આતંક સામે આવ્યો છે, જેમાં કારચાલકે ગુરુકુલથી દૂરદર્શન મેટ્રો સ્ટેશન સુધી એક ટુ-વ્હીલરને પોતાની કાર સાથે ઢસડીને રસ્તે જતા લોકોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો હતો. આ ઘટનામાં ખાનગી બેન્કના બ્રાન્ચ મેનેજર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. રસ્તા પર સર્જાયેલી કારચાલકની આ હરકત બાદ જાગૃત નાગરિકોએ કારચાલકને ઝડપી લીધો હતો અને તેને તાત્કાલિક પોલીસને સોંપી દીધો હતો, જે પછી સમગ્ર મામલાની વધુ કાયદાકીય કાર્યવાહી માટે ટુ-વ્હીલર ચાલકને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ગુરુકુળ રોડ પર દૂરદર્શન કેન્દ્ર નજીક રાત્રે 9:00 વાગ્યા પછી નશામાં ધૂત કારચાલકે બેફામ વાહન હંકારીને આતંક મચાવ્યો હતો. ખાનગી બેંકના બ્રાન્ચ મેનેજર કારચાલકે પૂરપાટ ઝડપે કાર ચલાવીને દૂરદર્શન ટાવર પાસે પાર્ક કરેલા એક ટુ-વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ પણ ચાલક અટક્યો ન હતો અને ટુ-વ્હીલરને આશરે 500 મીટર જેટલા અંતર સુધી ઢસડીને આગળ લઈ ગયો હતો. આ અકસ્માત દરમિયાન ટુ-વ્હીલર પર કોઈ સવાર ન હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
આ જોખમી ડ્રાઈવિંગના દ્રશ્યો જોઈ સ્થાનિક લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને નશામાં ધૂત કારચાલકને સ્થળ પર જ ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન કારમાંથી ચાલકના પગ નીચેથી દારૂની બોટલ પણ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ચાલકને કસ્ટડીમાં લઈ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ડ્રિંક એન્ડ ડ્રાઈવ હેઠળ ગુનો નોંધવાની કાયદેસરની તજવીજ હાથ ધરી હતી. મહત્વનું છે કે, નિકોલમાં નશાખોર ચાલકના કારણે 3 લોકોના મોતના અકસ્માતને હજુ માંડ 2 દિવસ થયા છે, ત્યાં જ અમદાવાદના વ્યસ્ત માર્ગ પર ફરી નશાની હાલતમાં કારચાલકનો આવો જોખમી બનાવ સામે આવ્યો છે.
