ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાંથી એક અત્યંત દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. યમુના એક્સપ્રેસવે પર દોડતી એક સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં ક્ષણભરમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં 9 મુસાફરોના મોત નીપજ્યા છે, જ્યારે કેટલાક મુસાફરોએ ચાલુ બસમાંથી નીચે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ બસમાં આશરે 40થી 50 જેટલા મુસાફરો સવાર હતા.
આ ભયાનક ઘટના યમુના એક્સપ્રેસવેના ઝીરો પોઇન્ટથી આશરે 32 કિલોમીટર આગળ બની હતી, જે વિસ્તાર જેવર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. જોઇન્ટ સીપી રાજીવ નારાયણ મિશ્રાએ જણાવ્યું હતું કે, બસમાં આગ લાગતાં જ મુસાફરોમાં ભારે નાસભાગ મચી હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે બસમાંથી બહાર કૂદવા લાગ્યા હતા. જોતજોતામાં આગની જ્વાળાઓએ આખી બસને પોતાની ઝપેટમાં લીધી અને 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે હજુ પણ કેટલાક મુસાફરો બસની અંદર ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગની ટીમનું કહેવું છે કે રેસ્ક્યુ ઓપરેશન પૂરું થયા બાદ જ સ્પષ્ટ થશે કે અંદર ફસાયેલા લોકોની ચોક્કસ સ્થિતિ શું છે અને કુલ કેટલા લોકો આ અકસ્માતનો ભોગ બન્યા છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા અધિકારીઓને આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ તંત્રને સૂચના આપી છે કે ઘાયલોને તાત્કાલિક યોગ્ય તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. આ સાથે જ તેમણે મૃતકોના પરિજનો સાથે વાતચીત કરી શક્ય તમામ સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યા છે અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે.
હાલના તબક્કે બસમાં આગ કયા ચોક્કસ કારણોસર લાગી તે જાણી શકાયું નથી. ઘટનાસ્થળે હાજર પોલીસ ટીમ બચી ગયેલા મુસાફરો સાથે વાતચીત કરીને ઘટનાક્રમની વધુ માહિતી એકઠી કરી રહી છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ બંને ઘટનાસ્થળે ઉપસ્થિત રહીને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
