રાજ્ય સરકાર દ્વારા ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવતા પાટણ જિલ્લાના ખેડૂતોમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. જેમાં સરસ્વતી તાલુકાના રણાવ, મેલુસણ, મોરપા, ઘેચેલી, ધારૂસણા અને કાનોસણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વિના ઊભો પાક સુકાઈ રહ્યો છે, જેના કારણે ધરતીપુત્રો ભારે આર્થિક સંકટમાં ઘેરાયા છે. રાજ્ય સરકાર દ્વારા ચાર જિલ્લાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ પાટણ જિલ્લાને બાકાત રાખવામાં આવતા જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
માત્ર ખેતી જ નહીં, પરંતુ પશુપાલન વ્યવસાય પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. વિસ્તારમાં ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે અને બજારમાં ઘાસના એક પૂળાનો ભાવ 40થી 50 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જે સામાન્ય ખેડૂત કે માલધારીને પોસાય તેમ નથી. પશુઓને સાચવવા હવે ખેડૂતો માટે અશક્ય બનતું જાય છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી તેમજ પૂર્વ ધારાસભ્યએ પણ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને કેનાલોમાં તાકીદે પાણી છોડવા ઉગ્ર રજૂઆત કરી છે. હવે જોવું રહ્યું કે સરકાર ક્યારે આ સૂકી કેનાલોમાં નર્મદા અને દાંતીવાડાના નીર વહેવડાવીને મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને રાહત આપે છે.
રાજ્યના ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય પેકેજની જાહેરાત કરાઈ છે. જોકે, પાટણ જિલ્લાને બાકાત રાખવામાં આવતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. અનિયમિત વરસાદ અને અતિવૃષ્ટિથી પાકને નુકસાન થયું હોવાની રજૂઆત સાથે સરસ્વતી તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી છે.
સરસ્વતી તાલુકામાંથી પસાર થતી મુખ્ય સુજલામ સુફલામ કેનાલ હોય કે પછી દાંતીવાડા માઈનોર કેનાલ હાલ પાણીના અભાવે ધૂળ ઊડી રહી છે. ખેડૂતોએ પાક બચાવવા માટે તળાવો પર બબ્બે લાખ રૂપિયાના મોંઘા મશીનો અને પંપો વસાવ્યા હતા, પરંતુ પાણી જ ન હોવાથી આ તમામ ખર્ચ માથે પડ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટણના સાંસદ ભરતસિંહ ડાભી તેમજ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પણ મુખ્યમંત્રીને પત્ર લખીને કેનાલોમાં તાકીદે પાણી છોડવા ઉગ્ર રજૂઆત કરી છે. સરકાર ક્યારે આ સૂકી કેનાલોમાં નર્મદા અને દાંતીવાડાના નીર વહેવડાવીને મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને રાહત આપે છે.
નર્મદા ડેમમાં પાણીનો જથ્થો હોવા છતાં કેનાલોમાં પાણી ન મળતું હોવાની ખેડૂતોની રજૂઆત છે. સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોની ચિંતા વધી છે. એરંડા, કપાસ, ઘઉં અને ઘાસચારાના પાકને બચાવવા કેનાલોમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ કરવામાં આવી છે.
