ગરમી-ઉકળાટ વચ્ચે ગુજરાતના 47 તાલુકામાં વરસાદી ઝાપટાં, ભુજ 39.5 ડિગ્રીમાં શેકાયું

ગરમી-ઉકળાટ વચ્ચે ગુજરાતના 47 તાલુકામાં વરસાદી ઝાપટાં, ભુજ 39.5 ડિગ્રીમાં શેકાયું

ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે ભાદરવા મહિનાની આકરી ગરમી અને અસહ્ય ઉકળાટનો પ્રારંભ થતાં લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. બફારાના આ વાતાવરણ વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 47 તાલુકાઓમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા. હજુ પણ આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે.

રાજ્યભરમાં ભાદરવી તાપનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેમાં બુધવારે (23મી સપ્ટેમ્બર) ભુજમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાતાં ભુજવાસીઓ ગરમીમાં શેકાયા હતા. આ ઉપરાંત અન્ય મુખ્ય શહેરોમાં પણ તાપમાનનો પારો ઊંચો રહ્યો હતો; જેમાં અમદાવાદમાં 36.2 ડિગ્રી, રાજકોટમાં 37.5, સુરતમાં 34.3, વડોદરામાં 36.4, ભાવનગરમાં 36.8, ગાંધીનગરમાં 36 અને કંડલામાં 36.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદી ઝાપટાંની વાત કરીએ તો ગીર સોમનાથના ઊના તાલુકામાં સૌથી વધુ 2.72 ઈંચ, અમરેલીના રાજુલામાં 2.60 ઈંચ, પોરબંદરના રાણાવાવમાં 2.36 ઈંચ, નવસારીમાં 2.24 ઈંચ અને વલસાડના ધરમપુરમાં 1.18 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

ચાલુ મોસમ દરમિયાન ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 810 મિ.મી. વરસાદ થયો છે, જે વાર્ષિક સરેરાશ વરસાદના 89 ટકા જેટલો થાય છે. પ્રદેશવાર સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ 114 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 89 ટકા, સૌરાષ્ટ્રમાં 71.25 ટકા અને ઉત્તર ગુજરાતમાં 71 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં સૌથી ઓછો 57.60 ટકા વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...