સાડા દસ વીઘા જમીન પચાવી પાડી કોન્ટ્રાક્ટરને ધમકી આપી

સાડા દસ વીઘા જમીન પચાવી પાડી કોન્ટ્રાક્ટરને ધમકી આપી

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં વ્યાજખોરી અને જમીન હડપ કરવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. હીરાના કારખાના માટે નાણાંની જરૃરિયાત ઊભી થતાં વ્યાજે લીધેલા ૧૨ લાખ રૃપિયાના બદલામાં અસહ્ય વ્યાજ વસૂલી, ધાકધમકી આપી સાડા દસ વીઘા જમીન પચાવી પાડવા બદલ વલ્લભીપુર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

વલ્લભીપુર તાલુકાના મોટી ધરાઈ ગામના મૂળ વતની અને હાલ સુરત ખાતે રહેતા સરકારી કોન્ટ્રાક્ટર અરવિંદભાઈ મેઘજીભાઈ નાવડીયાએ વર્ષ ૨૦૧૮માં તેમણે બોરતળાવ (ભાવનગર) ના વ્યાજખોર ભૂપતસંગ કાનજીભાઈ ડોડીયા પાસેથી મહિને ૩.૬૬ ટકાના ઊંચા વ્યાજદરે તબક્કાવાર કુલ રૃ. ૧૨ લાખ વ્યાજે લીધા હતા.

ભૂપતસંગએ સિક્યોરિટી પેટે ફરિયાદીની મોટી ઘરાઈ ગામની સાડા દસ વીઘા જમીનનો દસ્તાવેજ તથા સાટાખત કરાવી લીધો હતો તેમજ સહી વાળા ૮ બેંક ચેક પણ મેળવી લીધા હતા.કોરોના કાળમાં વ્યાજ ભરવામાં વિલંબ થતાં ભૂપતસંગે અરવિંદભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને સાટાખતવાળી જમીનનો પણ દસ્તાવેજ કરાવી લીધો હતો.

અરવિંદભાઈએ અલગ-અલગ માધ્યમોથી કુલ રૃ. ૧૬,૩૭,૫૦૦ ચુકવી આપ્યા હોવા છતાં, ભૂપતસંગે હિસાબ માંગતા જણાવ્યું હતું કે તમારું વ્યાજ ૩૩ લાખ રૃપિયા થઈ ગયું છે અને જમીન અમારી કંપનીમાં જમા થઈ ગઈ છે, જેથી પાછી નહીં મળે.સામાજિક અગ્રણીઓની સમજાવટ નિષ્ફળ જતાં આખરે વલ્લભીપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ગુજરાત નાણાની ધીરધાર કરનારા અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ એમ. આર. ભલગરીયાને સોંપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...