જીઆઇડીસીમાં ફરી ગુંડારાજ કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી રૃા.૫૦ લાખના કોન્ટ્રાક્ટના નફામાં ૫૦ ટકાની ખંડણી માગી

જીઆઇડીસીમાં ફરી ગુંડારાજ કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી રૃા.૫૦ લાખના કોન્ટ્રાક્ટના નફામાં ૫૦ ટકાની ખંડણી માગી

ભરૃચ જિલ્લામાં ઝઘડિયા જીઆઇડીસીની કંપનીઓમાં કોન્ટ્રાક્ટ મુદ્દે ફરી અસામાજિક તત્વોએ માથુ ઉચક્યું છે. અગાઉ ફાયરિંગ તેમજ વાહનોની તોડફોડ કરનાર ટોળકીએ ફરીથી એક વ્યક્તિનું અપહરણ અને ખંડણી માંગી હોવાની વિગતો બહાર આવી છે. આ અંગે ગુનો નોંધાયા બાદ ભાજપ અગ્રણીના પુત્ર સહિત ત્રણની અટકાયત કરવામાં આવી છે જ્યારે મુખ્ય ખંડણીખોર જયમીન પટેલ હજી ફરાર છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઝઘડિયા જીઆઇડીસીની સ્ટીમ હાઉસ ઇન્ડિયા કંપનીમાં મૂળ ઉત્તર પ્રદેશના પરંતુ હાલ વાપીમાં રહેતા વિનય ઇન્દ્રજીત યાદવે બોઇલર અને સ્ટીમ પાઇપના પ્રોજેક્ટનો રૃા.૫૦ લાખનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. તા.૧૫ ઓગસ્ટના રોજ બપોરે કંપનીમાં કોન્ટ્રાક્ટર હાજર હતા ત્યારે એક થાર ગાડી આવી હતી અને કોન્ટ્રાક્ટર વિનય યાદવને ગાડીમાં ઉઠાવી જઇ રૃા.૫૦ લાખના પ્રોજેક્ટમાં જે પ્રોફિટ મળે તેમાંથી ૫૦ ટકા રકમ ખંડણી પેટે આપવી પડશે તેમ કહી અપશબ્દો બોલ્યા હતાં.

ટોળકીએ એક હોટલમાં ચા-નાસ્તો કર્યો હતો તેના પૈસા પણ કોન્ટ્રાક્ટર પાસે યુપીઆઇથી ચૂકવ્યા હતાં. ઉપરોક્ત વિગતો અંગે કોન્ટ્રાક્ટરે નામચીન જયમીન રણછોડ પટેલ (રહે.અંકલેશ્વર), લાલુ ઉર્ફે માયા અંબુભાઇ વસાવા (રહે.ચમારીયા, તા.વાલિયા), મેથ્યુઝ શાંતિલાલ વસાવા (રહે.પીઠોર, તા.વાલિયા) અને કિરણ પ્રવિણભાઇ વસાવા (રહે.ચામારીયા, તા.વાલિયા) સામે ઝઘડિયા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જયમીન પટેલ સિવાય અન્ય આરોપીઓને ઝબ્બે કર્યા છે.

ઉલ્લેખનીય છે કે મેથ્યુઝના પિતા શાંતિલાલ વસાવા ભાજપનાઆદિજાતી મોરચામાં પ્રદેશ મંત્રીનો મહત્વનો હોદ્દો ધરાવે છે. જ્યારે જયમીન પટેલને ભાજપના નેતાઓનું પીઠબળ પણ રહ્યું છે. આરોપીએ ભાજપના સક્રિય કાર્યકર તેમજ ભાજપના ખેસ સાથે પણ ફોટા પડાવ્યા હતા જે વાયરલ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...