અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા જીરાફ સર્કલ પાસે ઝોન-6 લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) મોડી રાત્રે ફિલ્મી ઢબે પીછો કરીને કારમાંથી રૂ.3.74 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કારચાલક સહિત ભાગવાનો પ્રયાસ કરતા આરોપીઓને દબોચી લઈને કાર તથા દારૂ મળી કુલ રૂ.17.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે 7 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ઝોન-6 LCBની ટીમને બાતમી મળી હતી કે એક કારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને કેટલાક શખ્સો મણિનગર તરફ આવી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે જીરાફ સર્કલ પાસે નાકાબંધી અને વોચ ગોઠવી હતી. આ દરમિયાન સંકાસ્પદ કાર દેખાતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારચાલકે પોલીસને જોઈ ગાડી પૂરઝડપે ભગાવી મૂકી હતી.
પોલીસે તુરંત ખાનગી વાહનોમાં કારનો પીછો શરૂ કર્યો હતો અને થોડે દૂર જઈને ફિલ્મી ઢબેકારને ઘેરીને અટકાવી દીધી હતી. કાર રોકાતાં જ તેમાંથી નીચે ઉતરીને અંધારામાં ભાગવાનો પ્રયાસ કરી રહેલા શખ્સોને પોલીસે કોર્ડન કરી ઝડપી લીધા હતા. કારમાંખી રૂ.3.74 લાખનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂ.17.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
