ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા જાળવવા અને ભેદભાવ રોકવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા તૈયાર કરાયેલા નવા નિયમો મુદ્દે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, UGCના વર્ષ 2026ના આ નવા નિયમોની સમીક્ષા કરવા અને તેના પર પુનર્વિચાર કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં આ વિવાદિત નિયમોના અમલ પર વચગાળાનો સ્ટે મૂકી દીધો હતો.
આ સમગ્ર મામલે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ બેન્ચ સમક્ષ કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા. તેમણે સરકારનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, સરકાર તમામ વિદ્યાર્થીઓની ચિંતાઓને યોગ્ય રીતે દૂર કરવા માંગે છે. શિક્ષણ સંસ્થામાં કોઈ પણ વર્ગના વિદ્યાર્થી સાથે અન્યાય ન થાય અને કોઈ પણ જૂથ પોતાના અધિકારોથી વંચિત કે અસુરક્ષિત ન અનુભવે તે સુનિશ્ચિત કરવા માટે તમામ પાસાઓ તપાસવા એક ખાસ કમિટી બનાવવામાં આવી રહી છે.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું કે કોઈપણ નિયમ કે નીતિ ઘડતી વખતે તમામ વર્ગના વિદ્યાર્થીઓના હિતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. યુવા પેઢીની ચિંતાઓ અને તેમનું કલ્યાણ સૌથી મહત્વપૂર્ણ બાબત હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટની બેન્ચે તાકીદ કરી હતી કે દેશની ભાવિ પેઢીનું રક્ષણ થાય તે રીતે આ દિશામાં ચોક્કસ અને મજબૂત પગલાં લેવામાં આવે જેથી કોઈપણ સમુદાય અલગ-થલગ કે ભયભીત ન રહે.
ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં જાતિગત ભેદભાવ રોકવા માટે UGC દ્વારા નવા નિયમો લાવવામાં આવ્યા હતા, જેની સામે સુપ્રીમ કોર્ટમાં કાનૂની પડકાર ફેંકવામાં આવ્યો હતો. જાન્યુઆરી મહિનામાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે પ્રથમ નજરે આ નિયમોની કેટલીક જોગવાઈઓ અસ્પષ્ટ છે અને તેના દુરુપયોગની પૂરી શક્યતા રહેલી છે. આથી અદાલતે નવા નિયમો પર રોક લગાવીને કેન્દ્ર સરકાર તેમજ UGCને નોટિસ પાઠવી હતી. ત્યાં સુધી સંસ્થાઓમાં વર્ષ 2012ના જૂના નિયમો જ અમલમાં રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ગત સુનાવણી દરમિયાન પણ સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે UGC દ્વારા સમગ્ર મામલે પુનર્વિચારણા ચાલી રહી છે, જે બાદ આખરે સરકારે સ્પેશિયલ કમિટીની રચના કરવાની સત્તાવાર જાહેરાત કોર્ટ સમક્ષ કરી છે.
