નરોડા વિસ્તારમાં સંવિધાન સર્કલ નજીક પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફૂટપાથ પર ચાર દિવસ પહેલાં વહેલી સવારે 3 વાગ્યે જતીન સોલંકી નામના યુવકની ધોકા અને લોખંડની પાઇપના ફટકા મારી થયેલી ઘાતકી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. દારૂની મહેફિલ માણ્યા બાદ નશાની હાલતમાં થયેલા ઉગ્ર ઝઘડામાં મિત્રોએ જ આ હત્યાકાંડ આચર્યો હોવાનું સામે આવતાં નરોડા પોલીસ અને ઝોન-4 LCBની ટીમે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
ચાર દિવસ પૂર્વે વહેલી સવારે સ્થાનિક રહીશોને ફૂટપાથ પરથી જતીન સોલંકીનો લોહીલુહાણ મૃતદેહ મળ્યો હતો. પરિવારજનો દ્વારા ઓળખ કરાયા બાદ પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. મૃતકના ભાઈ ભાવેશ સોલંકીની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ત્રણ શખસો—મયંક અરવિંદભાઈ સોલંકી, રોહન દિનેશભાઈ સોલંકી અને રશ્મીકાંત ઉર્ફે જેણીયો મહેન્દ્રભાઈ મકવાણાની ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછ અનુસાર, ઘટનાની રાત્રે તમામ શખસોએ સાથે મળીને મોડી રાત સુધી દારૂની મહેફિલ માણી હતી. નશાની હાલતમાં કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા ત્રણેય મિત્રોએ લાકડાના દંડા અને લોખંડની પાઇપ વડે જતીન પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પકડાયેલા આરોપીઓ પૈકી એક બૂટલેગર હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ આરોપીઓ અને મૃતક એકબીજાથી પરિચિત હતા અને નિયમિત સાથે મળતા હતા. ઘટનાની રાત્રે દારૂ પીધા બાદ કઈ ચોક્કસ બાબતે વિવાદ વકર્યો તે દિશામાં પોલીસ પૂછપરછ કરી રહી છે. એક આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાથી ઝઘડા પાછળ જૂની અદાવત કે પૈસાની લેતીદેતી જવાબદાર છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.
