કન્ફર્મ ટિકિટ હોવા છતાં 200થી વધુ મુસાફરોને ટ્રેનમાં ન ચઢવા દીધા

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ગુરુવારે(5 નવેમ્બર) સવારે ગોરખપુર જતી ટ્રેનમાં મુસાફરી કરવા આવેલા 200થી વધુ પેસેન્જરોને ટિકિટ હોવા છતાં ટ્રેનમાં ચઢવા દેવામાં આવ્યા નહોતા. સવારે 9.10 વાગ્યે અમદાવાદથી ઉપડતી ટ્રેન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પેસેન્જરો સ્ટેશન પર પહોંચી ગયા હતા. ટિકિટ લઈને લાઇનમાં બેઠેલા પેસેન્જરોને પોલીસ દ્વારા હોલ્ડિંગ એરિયામાં બેસાડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને લાઇનબદ્ધ રીતે ટ્રેનના કોચ સુધી લઈ જવામાં આવતા હતા.

જો કે, સ્ટેશન પર ભીડ વધુ હોવાથી કોચમાં પહોંચ્યા બાદ ટ્રેનના લગભગ તમામ કોચ હાઉસફુલ થઈ જતાં બેસવાની તો દૂર, ઊભા રહેવાની પણ જગ્યા ન હોવાથી 200થી વધુ પેસેન્જરોને ટ્રેનમાં ચઢતા અટકાવવામાં આવ્યા હતા. ટિકિટ હોવા છતાં ટ્રેનમાં જગ્યા ન મળતાં પેસેન્જરોની મુશ્કેલી વધી હતી.

કાલુપુર સ્ટેશન પર ટ્રેનમાં ચઢી ન શકેલા પેસેન્જરોને અમદાવાદના બદલે સાબરમતી સ્ટેશનથી ગોરખપુર જતી ટ્રેન પકડવા સૂચના આપવામાં આવી હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે, સાબરમતીથી સવારે 9.55 વાગ્યે ગોરખપુર જતી ટ્રેનમાં તેઓ મુસાફરી કરી શકશે.

આથી વહેલી સવારથી કાલુપુર સ્ટેશન પર ટિકિટ લઈને રાહ જોઈ રહેલા પેસેન્જરોને છેલ્લી ઘડીએ ખાનગી વાહનો દ્વારા સાબરમતી સ્ટેશન પહોંચવાનો વારો આવ્યો હતો. ટ્રેન પકડવા માટે પહેલેથી જ લાઇનમાં બેઠેલા પેસેન્જરોને અચાનક સ્ટેશન બદલવાની સૂચના મળતાં તેમની હાલાકી વધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *