અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી કાજલ ટેક્ષટાઇલ્સ મીલમાં ખેડૂતોને અપાતા સબસીડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરમાં કૌભાંડ થતું હોવાનું સામે આવ્યું છે. નારોલ પોલીસે કંપનીના ગોડાઉનમાં દરોડા પાડીને આ ખાતરની 119 ભરેલી બોરીઓ અને 16 ખાલી થેલીઓ જપ્ત કરી છે. ખેડૂતોના હકના ખાતરની કાળાબજારી કરવા બદલ કંપનીના માલિક ઐયુબ સુરતી અને મેનેજર જુબેર પાલીવાલા સામે ખેતી અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ સબસીડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર સરકાર દ્વારા માત્ર ખેડૂતોને ખેતીના હેતુ માટે જ પૂરું પાડવામાં આવે છે, અને તેનો ઔદ્યોગિક વપરાશ કરવો ગેરકાયદેસર છે. ગાંધીનગરની લેબમાં મોકલેલા 4 સેમ્પલના રિપોર્ટમાં પણ સ્પષ્ટ થયું છે કે પકડાયેલો જથ્થો ખેત વપરાશ માટેનો જ હતો. આમ બંને આરોપીઓએ ખેડૂતોના હકના ખાતરની કાળાબજારી કરી છે. આ ગેરરીતિ બદલ ખેતી અધિકારી દ્વારા બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
