ગુજરાતમાં ચોમાસાની સક્રિયતા હજુ પણ યથાવત રહી છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન (તારીખ 22 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યાથી 23 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યા સુધી) રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. હવામાનની આ સિઝનમાં વિવિધ જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના કુલ 47 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ખેતી પાકોને નવું જીવનદાન મળ્યું છે.
છેલ્લા 24 કલાકના વરસાદી ડેટા પર નજર કરીએ તો, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં સૌથી વધુ 69 મિમી એટલે કે આશરે 2.72 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં 66 મિમી (2.60 ઇંચ) અને પોરબંદરના રાણાવાવ તાલુકામાં 60 મિમી (2.36 ઇંચ) વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ નવસારીના ખેરગામ ખાતે 57 મિમી (2.24 ઇંચ) વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે.
દક્ષિણ અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની વાત કરીએ તો, વલસાડના ધરમપુર અને ભાવનગરના ગારીયાધારમાં 30-30 મિમી (1.18 ઇંચ) વરસાદ વરસ્યો છે. જ્યારે ભરૂચના હાંસોટમાં 29 મિમી (1.14 ઇંચ) અને જામનગરના જામજોધપુરમાં 26મિમી (1.02 ઇંચ) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢના કેશોદમાં ૨૪ મિમી, રાજકોટના ગોંડલ અને ભાવનગરના મહુવામાં 21-21 મિમી વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ 47 તાલુકાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદના કારણે સારો એવો જળસંચય થયો છે.