એમ.એસ.યુનિવર્સિટીનો ૭૫મો પદવીદાન સમારોહ તા.૨૩ સપ્ટેમ્બર, બુધવારે યોજાશે.સવારે ૧૧-૪૦થી સમારોહનો પ્રારંભ થશે.જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના હોવાથી સમારોહની પૂર્વ સંધ્યાએ યુનિવર્સિટીનું કોન્વોકેશન ગ્રાઉન્ડ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.
પોલીસ દ્વારા આજે રાષ્ટ્રપતિના બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. મળતી જાણકારી પ્રમાણે રાષ્ટ્રપતિના એરપોર્ટથી યુનિવર્સિટીના રુટ પર અને સમારોહ સ્થળે કુલ મળીને ૭૦૦ પોલીસ જવાનો તથા બીજા અધિકારીઓ ફરજ બજાવશે.બોમ્બ સ્કવોડ દ્વારા સમારોહ સ્થળનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રપતિના સુરક્ષા કર્મીઓએ પણ આજથી જ મોરચો સંભાળી લીધો હતો.
૭૫મા પદવીદાન સમારોહમાં ૧૬૧ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ૨૦૨ ગોલ્ડ મેડલ તથા ૧૨૬૦૬ સ્ટુડન્ટસને ડિગ્રી એનાયત કરવામાં આવશે.
સૂત્રોએ કહ્યું હતું કે, ૫૦૦૦ વિદ્યાર્થીઓએ પદવીદાન સમારોહમાં હાજર રહેવા માટે સંમતિ દર્શાવી છે.જ્યારે ૧૬૧ પૈકી ૧૫૫ ગોલ્ડ મેડાલિસ્ટ હાજર રહેશે.ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને સવારે ૯-૩૦ વાગ્યે અને બાકીના વિદ્યાર્થીઓને સવારે ૧૦ વાગ્યે કોન્વોકેશન ગ્રાઉન્ડ પર પહોંચી જવા જણાવાયું છે.
કોન્વોકેશનમાં હેન્બેગ કેમેરા, છત્રી પર પ્રતિબંધસમારોહમા આમંત્રિતો માટે યુનિવર્સિટી દ્વારા ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે.જેમાં હેન્ડબેગ, કેમેરા, છત્રી જેવી વસ્તુઓ લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ઉપરાંત સમારોહ ચાલુ થાય તે પહેલા બેસી જવા માટે સૂચના આપવામાં આવી છે.જોકે પાર્કિંગ વ્યવસ્થા અંગે સત્તાધીશો તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી.
