ગ્રોસરી સ્ટોરમાંથી તેલના ડબ્બા-ખાંડની ચોરી, ‘પગથી ખસેડી’ ટુકડે-ટુકડે લાખોનો માલ સાફ

અમદાવાદમાં ઘરભેદુ કર્મચારી દ્વારા ચોરી કરવાની વધુ એક ઘટના સામે આવી છે. મકરબામાં આવેલી ઓનલાઇન ગ્રોસરી કંપનીના સ્ટોરમાંથી એક કર્મચારીએ જ પ્લાન ઘડીને 1 લાખ રૂપિયાથી વધુની કિંમતના તેલના ડબ્બા અને ખાંડની ચોરી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ મામલે સરખેજ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, જુહાપુરા વિસ્તારમાં રહેતા અને મકરબા ખાતે આવેલી ગ્રોસરી કંપનીમાં શિફ્ટ ઇંચાર્જ તરીકે ફરજ બજાવતા મોહમ્મદ પઠાણે આ અંગે ફરિયાદ નોંધાવી છે. ગત 26મી એપ્રિલ 2026ના રોજ સવારે જ્યારે ઇંચાર્જ સ્ટોક ચેક કરી રહ્યા હતા, ત્યારે તેલના ડબ્બા અને ખાંડની બોરીઓ ઓછી જોવા મળી હતી. આ બાબતે શંકા જતા તેમણે તાત્કાલિક મેનેજર અને SLP ટીમને જાણ કરી CCTV ફૂટેજ તપાસ્યા હતા.

CCTV ફૂટેજની તપાસમાં કંપનીમાં જ રાઇડર તરીકે કામ કરતા 25 વર્ષીય નોમાન હુસૈન શેખની કરતૂત સામે આવી હતી. આરોપીએ ચોરી કરવા માટે ખૂબ જ ચાલાકીભર્યો રસ્તો અપનાવ્યો હતો. આરોપી ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા તેલના ડબ્બાને પગથી ખસેડીને બાથરૂમ સુધી લઈ જતો હતો. બાથરૂમની બારી તૂટેલી હોવાથી તે માલસામાન ત્યાંથી બહાર કાઢતો હતો. મોડી રાત્રે તે પોતાની મોપેડ પર આ માલ ભરીને રફુચક્કર થઈ જતો હતો.

પોલીસ ફરિયાદ મુજબ, આરોપી નોમાન શેખે ગત 21મી એપ્રિલથી 26મી એપ્રિલ દરમિયાન ટુકડે-ટુકડે ચોરીને અંજામ આપ્યો હતો. તેણે કુલ 1,03,462 રૂપિયાની કિંમતના તેલના ડબ્બા અને ખાંડની ચોરી કરી છે. હાલ સરખેજ પોલીસે શિફ્ટ ઇંચાર્જની ફરિયાદના આધારે આરોપી કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર ખાનગી કંપનીઓમાં કર્મચારીઓની વિશ્વાસપાત્રતા સામે સવાલો ઊભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...