બનાસકાંઠામાં વાવ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે, ત્યારે વાવ પોલીસે બાતમીના આધારે આસારા -ખરડોલ કેનાલ પાસે ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે દારૂ અને બે ગાડીઓ મળી કુલ ૨૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની ધરપકડ કરી છે.
વાવ પોલીસ મથકનો સ્ટાફ જેમાં ભરતસિંહ રાજપૂત, જેતશીભાઈ પરમાર, નરેન્દ્રસિંહ અને ઈલેષચંદ્ર ચૂંટણીલક્ષી પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે માવસરી તરફથી અસારા કસ્ટમ રોડ થઈ એક ફોર્ચ્યુનર અને સ્વીફ્ટ —ગાડી વિદેશી દારૂ ભરીને આવી રહી છે. પોલીસે આ ગાડીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બુટલેગરોએ ધરપકડના ડરે ગાડીઓ ભગાવી હતી. પીછો કરી રહેલી પોલીસથી બચવા જતાં અસારા-ખરડોલ કેનાલ પાસે બંને ગાડીઓ એકબીજા સાથેઅથડાતા અકસ્માત સર્જાયો હતો અને ગાડીઓ થંભી ગઈ હતી.
પોલીસે સ્થળ પર પહોંચી ગાડીઓની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ ૪૪૧૬ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. ૮.૫ લાખ થાય છે. પોલીસે વિદેશી દારૂ તેમજ ફોર્ચ્યુનર અને સ્વીફ્ટ ગાડી મળી કુલ રૂ. ૨૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ ઉપરાંત ગાડીમાં સવાર અન્ય બે અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા છે. પોલીસે કુલ ચાર શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ વાવ પી.આઈ. એસ.એમ. વસાવા ચલાવી રહ્યા છે. ચૂંટણી સમયે દારૂનો આટલો મોટો જથ્થો ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી કામગીરીની વાવ પોલીસ ની પ્રશંસા થઈ રહી છે.

