જામનગર શહેરના ભંગાર બજાર રોડ પર રોડની જગ્યા રોકીને ભંગારનો માલસામાન રાખવામાં આવતો હોવાની ફરિયાદો મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાને મળતાં શાખાની ટીમ દ્વારા સાંજે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બે અલગ-અલગ સ્થળે ભંગારનો માલસામાન રોડ પર રાખનારા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરી માલ જપ્ત કરવામાં આવ્યો હતો.
એસ્ટેટ શાખાને ભંગાર બજાર રોડ પર રોડ ઉપર ભંગારનો માલસામાન રાખી દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો મળી હતી. જેના પગલે એસ્ટેટ શાખાના દબાણ નિરીક્ષકો ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજસિંહ ઝાલાની આગેવાની હેઠળ ટીમ સ્થળ પર પહોંચી હતી.
મનપાની ટીમે રોડ ઉપર રાખવામાં આવેલા ભંગારના માલસામાનને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. બંને વિક્રેતાઓનો ભંગારનો માલસામાન અલગ-અલગ બે ટ્રેક્ટરમાં ભરી જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જપ્ત કરાયેલો માલ મહાનગરપાલિકાની કચેરી ખાતે લઈ જઈ જમા કરાવવામાં આવ્યો હતો.
એસ્ટેટ શાખાની કાર્યવાહી બાદ ભંગાર બજાર રોડ પર રોડની જગ્યા રોકીને કરવામાં આવેલું દબાણ દૂર થતાં વાહનચાલકો માટે માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. શહેરમાં જાહેર રસ્તાઓ પર માલસામાન રાખીને દબાણ કરનારા વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ મનપા તંત્ર દ્વારા જણાવાયું છે.
