દ્વારકા અને સોમનાથમાં દિવાળી પર્વમાં આસ્થાનું ઘોડાપૂર

દિવાળીના તહેવારો અને મિનિ વેકેશનમાં સૌરાષ્ટ્રનાં બે પવિત્ર યાત્રાધામ દ્વારકા અને સોમનાથમાં આસ્થાનું ઘોડાપૂર ઊમટી રહ્યું છે. દિવાળી પર્વેનાં ત્રણ દિવસમાં ભગવાન દ્વારકાધીશનાં દર્શનથી લઈને સોમનાથ મહાદેવનાં સાંનિધ્ય સુધી હજારો નહીં, લાખો શ્રદ્ધાળુઓએ પરિવાર સાથે ધાર્મિક પ્રવાસ ખેડતાં સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવાસનનો માહોલ જામ્યો હતો. જો કે હજુ રવિવાર સુધી એવો જ મહોલ રહેશે. દ્વારકામાં જગતમંદિર ખાતે દિવાળીના તહેવારો નિમિત્તે તા. ૭થી તા.૧૨ સુધીના ૬ દિવસ દરમિયાન ૬.૩૨ લાખ યાત્રિકોએ ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શન કર્યા હતા, જ્યારે સોમનાથમાં આઠ દિવસ દરમિયાન પાંચ લાખથી વધુ દર્શનાર્થીઓએ શીશ ઝુકાવ્યું હતું.

યાત્રાધામ દ્વારકામાં નૂતન વર્ષ અને ભાઈબીજના પર્વે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધતાં ઓખા-દ્વારકા-જામનગર હાઇવે પર પાંચ કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી હતી. જગતમંદિર ચોક, ગોમતી ઘાટ, સુદામા સેતુ, નીલકંઠ ચોક સહિતના વિસ્તારોમાં ભારે ભીડ જોવા મળી હતી. હોટલો, ધર્મશાળાઓ અને ગેસ્ટહાઉસ હાઉસફુલ થતાં પ્રવાસીઓને રહેવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ભાઈબીજના દિવસે વહેલી સવારથી જ ભાવિકોએ ગોમતી નદીમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. સાંજે મા ગોમતીની મહાઆરતી અને ચુંદડી મનોરથ યોજાયો હતો. મહિલાઓ અને કુમારિકાઓએ ગોમતીમાં દીપદાન કરતાં દીવડાઓની ઝળહળતી હારમાળાથી ઘાટનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું. બીજી તરફ દ્વારકાધીશ રાજાધિરાજને યમુનાજી સ્વરૂપનો અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો.

બીજી તરફ સોમનાથ મહાદેવના દર્શન માટે દેશ-વિદેશમાંથી શિવભક્તો ઊમટયા હતા. સોમનાથ ટ્રસ્ટનાં તમામ ગેસ્ટહાઉસ, ડોરમેટરી અને મુખ્ય પાર્કિંગ સહિતનાં પાર્કિંગ સ્થળો ભરચક બન્યાં હતાં. ટ્રસ્ટ દ્વારા વેણેશ્વર અને સદભાવના ગ્રાઉન્ડમાં વધારાનાં પાકગ શરૂ કરાયાં હતાં. હજારો શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વૃદ્ધો, અશક્તો અને દિવ્યાંગોને પાર્કિંગથી મંદિર સુધી પહોંચાડવા નિઃશુલ્ક ઇલેક્ટ્રિક ટ્રેન અને ગોલ્ફ કારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. બન્ને યાત્રાધામોમાં ભાવિકોની સુરક્ષા અને ભીડ નિયંત્રણ માટે વધારાની વ્યવસ્થા પણ ઊભી કરાઈ હતી.

યાત્રાધામ દ્વારકામાં અવ્યવસ્થાથી ભારે અંધાધૂંધી યાત્રાધામ દ્વારકામાં દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજના પાવન તહેવારો દરમિયાન ઉમટેલી અભૂતપૂર્વ ભીડ વચ્ચે સ્થાનિક વહીવટી તંત્ર અને મંદિર વ્યવસ્થાપનની ઘોર નિષ્ફળતા સામે આવી છે. લાખો શ્રદ્ધાળુઓ આવવાની અગાઉથી જાણ હોવા છતાં નક્કર આયોજનના અભાવે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો, જેના પરિણામે અસંખ્ય ભક્તોને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા વિના જ નિરાશ થઈને પરત ફરવું પડયું હતું. દૂર-દૂરથી ભારે શ્રદ્ધા સાથે આવેલા વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકોને કલાકો સુધી ધક્કામુક્કી વચ્ચે મંદિર ચોક છપ્પન સિડી લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી હતી. એક તરફ સામાન્ય યાત્રિકો કલાકો સુધી તડકા અને ગરમીમાં હેરાન થઈ રહ્યા હતા, તો બીજી તરફ વીઆઈપી દર્શનના નામે ચાલતી મનમાનીથી ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *